રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા: વોટ ન આપવા બાબતે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
દાહોદ તા. ૧૫
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ચૂંટણીના મનદુઃખમાં હિંસક ઘટના સામે આવી છે. નઢેલાવ જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર શૈલેષ નારુભાઈ ભાભોરે એક ગ્રામજન પર હુમલો કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, શૈલેષ ભાભોર નઢેલાવ ગામમાં રહેતા મેમર ધારજીભાઈ ભાભોરના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે જૂની અદાવત રાખી “તમોએ મને વોટ કેમ આપ્યા નહીં?” તેમ કહી બોલાચાલી કરી હતી. ઉશ્કેરાયેલા શૈલેષે મેમરભાઈને બિભત્સ ગાળો આપી, લાતો અને ઝાપટો મારી શારીરિક હુમલો કર્યો હતો.
“આજે તો તને પતાવી જ દેવાનો છું” તેવી ધમકી આપતા મેમરભાઈ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા હતા. આ દરમિયાન શૈલેષ ભાભોરે પોતાની પાસે રહેલા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે, પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોર શૈલેષ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
ઘટના બાદ ભોગ બનનાર પરિવારે તાત્કાલિક જેસાવાડા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી નીચે મુજબની કાર્યવાહી હાથ ધરી છે મેમરભાઈની ફરિયાદના આધારે શૈલેષ ભાભોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી શૈલેષ ભાભોરની અટકાયત કરી છે અને ફાયરિંગ માટે વપરાયેલ હથિયાર અને તેના લાયસન્સ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
