રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ કલેક્ટરે જિલ્લા સેવા સદનમાં ઓચિંતી તપાસ કરી : બેદરકારી બદલ અધિકારીઓને કડક સૂચના, રેકોર્ડ વ્યવસ્થાપન સુધારવા તાકીદ
દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લા કલેક્ટરે આજે વહેલી સવારે જિલ્લા સેવા સદન કચેરીની વિવિધ શાખાઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. કલેક્ટરે પૂર્વ સૂચના વગર કચેરીમાં પ્રવેશ કરી જુદી જુદી શાખાઓની મુલાકાત લીધી હતી. આ તપાસનો મુખ્ય હેતુ વહીવટી પારદર્શિતા અને કર્મચારીઓની કાર્યક્ષમતા ચકાસવાનો હતો.
મુલાકાત દરમિયાન કલેક્ટરે કચેરીની રોજબરોજની કામગીરી અને જનતાની અરજીઓના નિકાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. કેટલીક શાખાઓમાં દસ્તાવેજોના વ્યવસ્થાપનમાં ક્ષતિઓ જોવા મળી હતી. કલેક્ટરે અધિકારીઓને સૂચના આપી કે સરકારી રેકોર્ડનું વર્ગીકરણ વૈજ્ઞાનિક અને સુવ્યવસ્થિત રીતે થવું જોઈએ, જેથી જરૂર પડ્યે ફાઈલો ત્વરિત મળી શકે. વહીવટી તપાસ ઉપરાંત, કલેક્ટરે કચેરીમાં સ્વચ્છતાનું પણ નિરીક્ષણ કર્યું. તેમણે પરિસરમાં અને ટેબલો પર જમા થયેલી ધૂળ તથા બિનજરૂરી કાગળોના ઢગલા જોઈને તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવાનો આદેશ આપ્યો. કર્મચારીઓને શિસ્તબદ્ધ રીતે બેસવા અને કચેરીનું વાતાવરણ અરજદારો માટે અનુકૂળ રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી. અંતે, કલેક્ટરે અધિકારીઓ સાથેની બેઠકમાં જણાવ્યું કે વહીવટ વધુ સુચારૂ અને ગતિશીલ બને તે અનિવાર્ય છે.
પ્રજાના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને દસ્તાવેજોની જાળવણીમાં કોઈ બેદરકારી ન થાય તેની જવાબદારી જે તે શાખાના વડાની રહેશે. આ તપાસણીથી અન્ય સરકારી કચેરીઓમાં પણ અસર જોવા મળી હતી.
