રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં બહારના રાજ્યના મજૂરો અંગે કલેક્ટરનું કડક જાહેરનામું
દાહોદ તા. ૧૧
દાહોદ જિલ્લા કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં બહારના રાજ્યમાંથી આવતા મજૂરો અને કામદારોની વધતી અવરજવર વચ્ચે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, બાંધકામ સાઇટ, ખાણ, ઈંટના ભઠ્ઠા તેમજ અન્ય સ્થળોએ કામ માટે રાખવામાં આવતા રાજ્ય બહારના મજૂરોની સંપૂર્ણ વિગતો રાખવી ફરજિયાત રહેશે. આવા કામદારોનું નામ, સરનામું, ઓળખ પુરાવા અને મોબાઇલ નંબર સહિતની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની રહેશે.
કલેક્ટરે જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો રોજગારીના બહાને જિલ્લામાં પ્રવેશી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાતા હોવાની શક્યતા હોવાથી સુરક્ષા દૃષ્ટિએ આ પગલું લેવામાં આવ્યું છે. બહારના મજૂરોને કામ પર રાખતા પહેલાં તેમના વિશે સંપૂર્ણ ચકાસણી કરવી અને પોલીસને માહિતી આપવી જરૂરી રહેશે.
આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામું આગામી બે મહિના સુધી દાહોદ જિલ્લાના સમગ્ર મેજિસ્ટ્રેટ હદ વિસ્તારમાં અમલમાં રહેશે.
