*કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ* *ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના પુનઃપ્રવેશથી લઈને ખેડૂત રજીસ્ટ્રેશન અને ટુરિઝમ વિકાસ સુધીના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ*

*ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના પુનઃપ્રવેશથી લઈને ખેડૂત રજીસ્ટ્રેશન અને ટુરિઝમ વિકાસ સુધીના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા*

દાહોદ તા. ૧૧

દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શિક્ષણ, ખેડૂત રજીસ્ટ્રેશન, કૃષિ જાગૃતિ અભિયાન, આયોજન વિભાગ તથા ટુરિઝમ વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં ખાસ કરીને શિક્ષણ વિભાગ તથા ICDS વિભાગ દ્વારા હાથ ધરાનારી ડોર ટુ ડોર સર્વે ઝુંબેશ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં જે બાળકો અભ્યાસમાંથી ડ્રોપઆઉટ થયેલા છે તથા એલિજેબલ હોવા છતાં શાળામાં દાખલ નથી, તેવા તમામ બાળકોને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ સગર્ભા મહિલાઓ તથા અન્ય લાભાર્થીઓને પણ વિવિધ સરકારી યોજનાઓ હેઠળ એનરોલ કરવા માટેની કામગીરી તેજ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ડોર ટુ ડોર વિઝિટ દરમિયાન શિક્ષકો, ICDS કર્મચારીઓ તથા અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલનથી કામગીરી કરવી જરૂરી છે. દરેક વિસ્તાર માટે સુપરવાઈઝરની નિમણૂક કરી દરેક બાળકનો શાળા પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે અસરકારક પ્રયાસો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે ખેડૂત રજીસ્ટ્રેશન અભિયાન અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં ઝડપથી ખેડૂતોનું વધુમાં વધુ ખેડૂત રજીસ્ટ્રેશન થાય તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. 

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવાયુ કે, તમામ તાલુકાઓમાં ખેડૂતો સાથે રાસાયણિક ખાતરના અતિરેક ઉપયોગથી થતા નુકસાન અને યોગ્ય અને સંરક્ષિત ઉપયોગ અંગે માર્ગદર્શન આપવા દરેક તાલુકામાં વિવિધ સ્થળે મીટિંગ યોજવામાં આવશે અને સાથે જ ખેડૂત મિત્રોનું સ્થળ પર જ ખેડૂત રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે. આગામી સમયમાં ખેતીલક્ષી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂત રજીસ્ટ્રેશન અનિવાર્ય બનશે તે બાબતે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે. જિલ્લામાં ખેડૂત રજીસ્ટ્રેશન માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે.

આયોજન વિભાગ સંબંધિત કામગીરીની સમીક્ષા દરમિયાન કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધૂરા તથા પૂર્ણ થયેલા કામોની વિગતો મંગાવી પૂર્ણ થયેલા કામોની સમયસર ડેટા એન્ટ્રી કરવાની સૂચના આપી હતી. ટુરિઝમ વિકાસ સંબંધિત મુદ્દાઓની ચર્ચા દરમિયાન વિવિધ વિકાસકાર્યોના ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે સંલગ્ન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીના, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પથિક દવે, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા સહિત તમામ પ્રાંત અધિકારીઓ, ટીડીઓ, એટીડીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા.

૦૦૦

Share This Article