બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકામાં ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે પદયાત્રા અને આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું*
*ફતેપુરા મામલતદાર કચેરી ખાતે 7 મે 2026 ના રોજ ગૌરક્ષકો દ્વારા આવેદનપત્ર અપાશે”*
સુખસર,તા.3
ગુજરાતમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા માટે સમગ્ર વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.જે અંતર્ગત આગામી 7 મેં 2026 ના રોજ ગુજરાતના દરેક તાલુકા મથકે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાનાર છે.આ અભિયાનના ભાગરૂપે ફતેપુરા નગરમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 7 મી તારીખે સવારે 10-00 કલાકે અંબાજી મંદિરથી એક પદયાત્રાની શરૂઆત થશે.આ પદયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર ફરીને મામલતદાર કચેરીએ પહોંચશે.જ્યાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.આ આયોજનમાં ફતેપુરા તાલુકાના તમામ ગૌ ભક્તો અને સેવાભાવી સંસ્થાઓને મોટી સંખ્યામાં જોડાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.ગૌ રક્ષા અને ગૌ સેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી થઈ આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
ગૌ માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા દેશ વ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાતમાં 7 મેના રોજ આવેદનપત્ર આપવામાં આવનાર છે.
ભારતભરના સંતો દ્વારા ગૌ માતાના સન્માન,સેવા અને સુરક્ષા માટે એક વિશેષ ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગાયને ‘રાષ્ટ્રમાતા’ તરીકેનો દરજ્જો અપાવવાનો છે.આ અભિયાન હેઠળ દેશભરમાંથી 50 કરોડથી વધુ હસ્તાક્ષર (સહી) એકત્રિત કરવામાં આવશે.આ સહીઓ સાથેનું આવેદનપત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવશે.
ગુજરાતમાં આગામી 7 મે ના રોજ આ અભિયાન અંતર્ગત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથકોએ આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન દ્વારા ગૌ માતા પ્રત્યે જનજાગૃતિ લાવવા અને તેમને બંધારણીય રીતે રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.“ગાય માત્ર એક પશુ નથી,પરંતુ તે ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે.તેને યોગ્ય સન્માન અને સુરક્ષા મળે તે માટે દેશભરના સંતોના આહ્વાનથી આ અભિયાન વેગ પકડી રહ્યું છે.
