રાજેશ વસાવે :- દાહોદ
નાનકડા ભૂલકાઓ દ્વારા “સહાયક દિવસ” ની ભાવપૂર્ણ ઉજવણી
દાહોદ તા. ૨૩
આજરોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર પૂર્વ પ્રાથમિક શાળામાં નર્સરી તથા બાલમંદિરના નાના નાના ભૂલકાઓ દ્વારા “સહાયક દિવસ (Helper Day)” ની આનંદમય અને શૈક્ષણિક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકોને દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા વિવિધ સહાયકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

બાળકો દ્વારા શાકવાળી, દૂધવાળો, ડૉક્ટર, શિક્ષક, સફાઈકર્મી, પોલીસ, સૈનિક, પ્રેસ રિપોર્ટર, ફોટોગ્રાફર, ખેડૂત, છાપાવાળા, દરજી, વાળંદ, કુંભાર, મોચી, માછીમાર, ધોબી અને માળી જેવા વિવિધ પાત્રોનું સુંદર રીતે અભિનય કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તુતિ દ્વારા બાળકોને સમજાવવામાં આવ્યું કે આ સહાયકો આપણા જીવનને સરળ બનાવવા માટે કેટલા જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા નાટક, પરિચય અને નૃત્ય જેવી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જે દર્શકોને ખૂબ જ ગમી હતી અને સૌએ તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી શીલાબેન શેઠ હાજર રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સાથી સારસ્વત મિત્રો, વાલીગણ તથા તમામ સહયોગીઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
