રાજેશ વસાવે :- દાહોદ
મિડલ ઈસ્ટ તણાવની અસર: દાહોદમાં LPG ગેસ માટે એજન્સીઓ પર ગ્રાહકોની ભીડ
દાહોદ જિલ્લામાં સપ્લાય ચેનમાં વિક્ષેપ વચ્ચે ખજુરીયા, ડામોર અને વનરાજ ગેસ એજન્સીઓ પર ભારે ઘસારો;
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું ઉત્પાદન અને વિતરણ બંધ થતા: હોટલ સંચાલકો ચિંતામાં,નાના એકમો બંધ થવાની શકયતા.!
LPG ગેસ સપ્લાય નિરંતર રાખવા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ તંત્રની બેઠક
દાહોદ તા.12
મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ઉર્જા ઉત્પાદન પર પડતી અસર હવે દાહોદ જિલ્લામાં પણ દેખાવા લાગી છે. દાહોદ શહેર સહિત જિલ્લાના અનેક ગેસ એજન્સીઓ પર LPG ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે LPG ગેસ સપ્લાય નિયમિત રહે તે માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ છે.
મિડલ ઈસ્ટ વિસ્તારમાં બદલાતી પરિસ્થિતિ અને ઉર્જા ઉત્પાદનના ઘટાડાની અસરના પગલે દાહોદ જિલ્લામાં LPG ગેસ સિલિન્ડરની માંગ અચાનક વધી ગઈ છે.દાહોદ શહેર સહિત જિલ્લાના અલગ અલગ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. LPG ગેસ સિલિન્ડરની સપ્લાય ચેનમાં વિક્ષેપ સર્જાતા કેટલીક જગ્યાએ અવ્યવસ્થા સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.દાહોદ શહેરની ખજુરીયા, ડામોર અને વનરાજ (ભારત ગેસ) મળી ત્રણેય ગેસ એજન્સીઓ પર ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, જ્યારે ગોડાઉન પર પણ સિલિન્ડર લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જોવા મળ્યા છે.
બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય અટકતા હોટલ સંચાલકો સહિત નાના વ્યવસાયકારોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ પર આધારિત કેટલાક નાના એકમો બંધ થવાની કગાર પર હોવાનું પણ સામે આવી રહ્યું છે.આ સાથે ઘરેલુ ગેસ સિલિન્ડરની ઓનલાઈન બુકિંગ સાઇટ પણ ધીમી પડી હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નિયમો મુજબ હવે એક જ ગ્રાહક દ્વારા LPG સિલિન્ડરની બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવામાં આવ્યો છે.જો કે તંત્રનો દાવો છે કે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને LPG ગેસ સપ્લાય નિયમિત રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા ગેસ એજન્સીઓ સાથે બેઠક યોજાઈ છે.સાથે સાથે પાઇપલાઇન મારફતે મળતો ગેસ અને CNG ગેસનો પુરવઠો હાલ રાબેતા મુજબ ચાલુ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
દાહોદ જિલ્લામાં LPGના પૂરતા પુરવઠા અંગે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે.
કલેકટર યોગેશ નિરગુડેએ ચેતવણી આપી કે LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, વધુ ભાવ વસૂલવા અથવા અન્ય ગેરવપરાશ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 અને LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કાયદેસર ગુનો ગણાશે અને આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે.બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા સહિત તમામ સેલ્સ ઓફિસરો હાજર રહ્યા હતા.
