રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં મધરાતે પડેલા અઢી ઇંચ વરસાદે સ્માર્ટસિટીની પોલ ખોલી, દુકાનો મકાનોમાં પાણી ભરાયા,
તળાવ ફળિયા ભીલવાડા, જલવિહાર સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં કાદવ કિચડનો સામ્રાજ્ય..
નગરપાલિકા યુદ્ધના ધોરણે જેસીબી દ્વારા કામગીરી શરૂ કરી, દુકાનદારો જાતે પાણી કાઢવા જોતરાયા, વેપારીઓને લાખોનું નુકસાન..
દાહોદ તા.12
દાહોદ શહેરમાં મધરાતે પડેલા અઢી ઇંચ વરસાદથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રહેણાંક સોસાયટી,દૂકાનો તેમજ શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી એક તરફ વેપારીઓના યાંત્રિક ઉપકરણો પાણીમાં ડૂબી જતા લાખો રૂપિયા નું નુકસાન પહોંચવા પામ્યું છે. ત્યારે બીજી તરફ સ્માર્ટ સિટી અંતર્ગત ચાલેલા આડેધડ કામો, તેમજ માપદંડ વગર બનાવેલા રોડના કારણે વરસાદી પાણીએ પરિસ્થિતિ વધુ કપરી બનાવી દેતા દાહોદવાસીઓ હવે સ્માર્ટસીટીને કોસતા જોવા મળી રહ્યા છે.
શહેરના આંબેડકર ચોકમાં ભોંયતળિયે આવેલી ઝેરોક્ષ, તેમજ સ્ટુડિયો સહીત 6 દૂકાનોમાં ત્રણ ફૂટ જેવાં પાણી ભરાઈ જતાં દુકાનદારોના યાંત્રિક ઉપકરણો, તેમજ અન્ય સંસાધનો પાણીમાં ડૂબી જવાથી ખરાબ થઈ જતા લાખો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે, સાથે સાથે શહેરના રળીયાતી વિસ્તાર તેમજ શાક માર્કેટ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ચકલીયા રોડ સ્થિત શાક માર્કેટ તેમજ રળીયાતી વિસ્તારમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવી પડી છે.
સ્માર્ટ સિટીના સ્માર્ટ રસ્તાની સ્માર્ટનેશ પ્રથમ વરસાદે સામે આવી છે.માત્ર બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા જ શહેરના વિવિધ વિસ્તારો અને શોપિંગ સેન્ટરોમાં પાણી ભરાવવા પામ્યા છે. લાખોનું નુકસાન થવા પામ્યું ત્યારે હજુ પણ આ સ્માર્ટ માર્ગો જો વધુ વરસાદ આવશે તો દાહોદને બેટમાં ફેરવશે તે આશંકા અસ્થાને નથી.! સ્માર્ટ સિટી એ વિવિધ એજનસીઓ દ્વારા કરાયેલી સ્માર્ટનેસ ભરી કામગીરીમાં ભૌગોલિક પરિસ્થિતિ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કેવું અને કેવી રીતે કર્યું તે હાલ યક્ષ પ્રશ્ન બનવા પામ્યો છે
એકમાત્ર છાપ તળાવ બ્યુંટીફિકેશનને આકર્ષક રીતે પ્રજા સમક્ષ મુકનારા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા થયેલ કામગીરીની ઉચ્ચ કક્ષાએથી સમીક્ષા થાય તે ખૂબ જ જરૂરી છે હાલમાં દાહોદ શહેરમાં બનાવેલા આવેલા માર્ગો પૈકી તમામ માર્ગો ઉપર હયાત બિલ્ડીંગો અને મકાનો શોપિંગ સેન્ટરો રોડ લેવલ થી નીચા થઇ જવા પામ્યા છે.
અને તેને કારણે ભારે મુશ્કેલી સર્જાશે તેવું કામગીરી કરતી વખતે જે તે સંબંધિતોને રજૂઆત કરાઈ હતી પરંતુ કોણ જાણે કેમ દાહોદ શહેરના રસ્તાઓ પર પુન રસ્તાનું નિર્માણ કરી રોડનું લેવલ ઓછું કરાતા સ્માર્ટસિટીની સંબંધીતોની સ્માર્ટનેશ આઠમી અજાયબી બને તો નવાઇ પામવા જેવું નહીં હોય હાલ પણ દાહોદમાં કેટલાક વિસ્તારમાં સ્માર્ટ રોડનું નિર્માણ કાર્ય ચાલુ છે
ત્યારે હજુ પણ આધુનિક ટેકનોલોજી અને જે તે એજન્સીનો સમન્વય સાધી ભૂગર્ભ ગટર અને સ્ટ્રોંમ વોટરને સંપૂર્ણ કાર્યરત કરવામાં આવે અને સાચા અર્થમાં તેમાં સ્માર્ટનેશ દાખવવામાં આવે તો દાહોદની આ સમસ્યા હલ થઈ શકે તેમ છે પ્રવર્તમાન નગરપાલિકાના સત્તાધીશો અનેકવિધ સ્વરૂપે સક્રિય થયા છે
પરંતુ સ્માર્ટ સિટી એ જે તે સમયે પાલિકાના સંબંધિત ખાતાઓ અન્ય સરકારી ખાતાઓ સાથે સમન્વય સાધી વર્ક ન કરતા પ્રજાને ભારે મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે ત્યારે ગત રાત્રીના વરસાદે સર્જેલી તારાજી એ નુકસાન આગામી દિવસોમાં કઈ પરિસ્થિતિ ઉભી કરશે તે ધ્રુજાવનારી હશે ત્યારે હાલ પણ સ્માર્ટ સિટીના સંબંધિતોએ આ તમામ કાર્યનો રીવ્યુ લઈ અને દાહોદને સાચા અર્થમાં સ્માર્ટ બનાવવા માટેની ગતિવિધિ હાથ ધરવી જોઈએ. જોકે અનેકવિધ ઠેકાણે ડિમોલેશન કાર્ય પૂર્ણ થયા પછી પણ હજુ કામગીરી અધુરી રહેવા પામી છે ત્યારે નિર્ધારિત લક્ષને પહોંચી દાહોદને વહેલામાં વહેલી તકે સ્માર્ટ જાહેર કરાય તે પણ પ્રવર્તમાન સંજોગોની માંગ છે હાલ વિવિધ રસ્તાઓ પર મસમોટાં ખાડાઓ અને જેસીબી દ્વારા પડાયેલા માનવસર્જિત ખાડાઓ શહેરમાં અનેક દર્દીઓનો વધારો કર્યો છે દાહોદના ઓર્થોપેડિક દવાખાના ઉભરાઈ રહ્યા છે કમર દર્દો અને સર્વાઇકલ દર્દીઓનો દાહોદમાં અચાનક વધારો થયો છે.
સિનિયર સિટીઝન અને મહિલાઓને દ્વિચક્રીય વાહન ચલાવવામાં અનેક ગણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હાલમાં નર્કાગાર ભાસત દાહોદ નગરીને દ્રશ્યવાન દાહોદ બનાવવા માટે જે તે સંબંધીતોએ જરૂરી પગલાં લેવા જોઈએ સામાન્ય વરસાદમાં સર્જાયેલી આ પરિસ્થિતિ જો એકધારો વરસાદ આવશે તો દાહોદમાં અનેક પ્રકારની ખાના ખરાબી સર્જી જશે તેવું લાગી રહ્યું છે.
*જલવિહાર સોસાયટી તેમજ ભીલવાડા વિસ્તારના ઘરોમાં કાદવ કિચડ સહીત ગંદા પાણીનો ભરાવો,*
દાહોદ શહેરની જલવિહાર સોસાયટીના 30 ઘરો તેમજ તળાવ ફળિયા ભીલવાડા વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાથી પાણી સ્વરૂપે આવેલા કાદવ કિચડ ઉપરોક્ત ધરોમાં ભરાઈ જતા રાત્રિના બે વાગ્યાથી સવારના 08:00 વાગ્યા સુધી ઉપરોક્ત ઘરના રહેવાસીઓ દ્વારા ધંધા પાણી તેમજ કાદવ કિચનને સાફ કરતા નજરે પડયા હતાં. છાપ તળાવ ખાતે ઊભી કરેલી બાઉન્ડ્રી વોલ તેમજ સાફ કરવામાં પડતા નાળાઓમાં જાળી મૂકી દેવાથી આ સમસ્યા અવારનવાર સર્જાતી હોવાનું સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે.