રાજેશ વસાવે :- દાહોદ /રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં ફાઇનાન્સ કંપનીની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ..
તબેલાની લોન અપાવવાની લાલચ આપી ભેજાબાજોએ સરપંચ પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા..
બન્ને ભેજાબાજો પોલીસના સંકજામાં:સાયબર સેલના પીઆઇએ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો..
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના ગરબાડા મુકામે ફાઇનાન્સ કંપની ની ઓફિસ બનાવી 50% સબસીડી વાળી લોન અપાવવા એક વ્યક્તિને તબેલો નાખવા માટેની લોનની લાલચ આપી ડોક્યુમેન્ટ અને ફાઈલ તૈયાર કર્યા બાદ ફાઈલના ચાર્જ સ્વરૂપે અલગ અલગ રીતે પૈસા પડાવ્યા હતા. અને ત્યારબાદ મહેસાણા મુકામે આવેલી વધુ એક ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં લઈ જઈ ત્યાં પણ જુદા જુદા ચાર્જ સ્વરૂપે અરજી કરનાર પાસેથી દસ લાખ જેટલી માતબર રકમ ખંખેર્યાં બાદ લોન ન મળતા છેતરપિંડીના ભોગ બનેલા પીડીતે સાયબર સેલની પોર્ટલ ઉપર ફરિયાદ કરતા દાહોદની સાયબર સેલ ની ટીમે ફાઇનાન્સ કંપનીની આડમાં લોન અપાવવાના બહાને લોકો પાસે પૈસા પડાવનાર બે ભેજાબાજોને જેલ ભેગા કર્યા બાદ તલસ્પર્શી તપાસ હાથ ધરી પ્રકરણમાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી પીડિત પાસેથી ફાળવેલા પૈસા રિકવર કરવાની તજવીજ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બોરીયાલા રોહિતવાસ ફળિયાનો રહેવાસી મનોજ મોહનકુમાર પરમાર ગરબાડા મુકામે આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને છેતરી પૈસા પડાવવાની દાનતે સત્યનામ ફાઇનાન્સની ઓફિસ ખોલી 50% ની સબસીડી ધરાવતી જુદા જુદા પ્રકારની લોન અપાવવા માટે લોકોને વિશ્વાસમાં લેવાનો કામ કરી રહ્યો હતો તેવામાં એક અરજદારે આ ફાઇનાન્સ કંપનીમાં તબેલો ખોલવા માટે લોન મેળવવા માટે ઇન્કવાયરી કરતા ભેજાબાજ મનોજ મોહનકુમાર પરમારે તબેલા ની લોન અપાવવા માટે ફાઇલ તૈયાર કર્યા બાદ અરજદાર પાસેથી ફાઈલ ના જુદા-જુદા ચાર્જની વસુલાત કરી હતી. એટલું જ નહીં લોભને થોભ નથી તે ઉક્તિને સાર્થક કરવા અરજદારને સાથે રાખી અન્ય એક ભેજાબાજ મનોજ મોહનકુમાર પરમાર તેના જ સિન્ડીકેટના અન્ય એક ભેજાંબાજ વિષ્ણુ મોહન પરમાર રહેવાસી કસ્બા સર્વોદય મોહલ્લા ટેકરા ઉપર આંબેડકર ચોક મહેસાણા મુકામે લઇ ગયો હતો. અને ત્યાં પણ બન્ને ભેજાબાજોએ ભેગા મળી જુદા જુદા ચાર્જ સ્વરૂપે અરજદાર પાસેથી 10,7000 જેટલી માતબર રકમ ખંખેરી લીધા હતા.જે બાદ પણ અરજદારને લોન ન મળતા આખરે પોતે ઠગાઈનો ભોગ બન્યો હોય તેવું એહસાસ થતાં તે થોડીક વાર માટે આઘાતમાં સરી પડયો હતો.ત્યારબાદ ન્યાય મેળવવા મક્કમ મને સાયબર પોર્ટલ પર અરજી કરી હતી. જે બાદ દાહોદ સાયબર સેલના પી.આઈ. દિગ્વિજયસીંગ પઢિયારે અરજદારને બોલાવી સમગ્ર બનાવની માહિતી એકત્રિત કરી ગુનો રજીસ્ટર કર્યો હતો. અને ત્યારબાદ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ ની મદદથી બંને ભેજાબાજોને ઝડપી જેલ ભેગા કર્યા હતા અને પ્રકરણમાં તલસ્પર્શી તપાસ કરી હજી કેટલા સાયબર ક્રાઇમના કેસમાં સંડોવાયેલા છે તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.સાથે સાથે બંને ભેજાબાજો પાસેથી સગાઈની રકમ પણ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.