બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર ખડકી દેવાયેલા દબાણો હટાવવા રાજ્ય કક્ષા સુધી રજૂઆત
સુખસર ની ગૌચર,સરકારી પડતર તથા ખરાબાની જમીન સહિત ધાર્મિક સ્થળની જગ્યાએ ગેરકાયદેસર દબાણો થયેલા છે
વર્ષ ૨૦૧૬ થી રજૂઆતો સહીત લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા અરજદાર દ્વારા ફી ભરવામાં આવેલ છે છતાં સ્થાનિક તંત્રોની નિષ્ક્રિયતાનો અરજદાર દ્વારા આક્ષેપ
સુખસર,તા.૨૫
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વર્ષોથી સરકાર હસ્તકની જમીનો ઉપર દબાણ કર્તાઓ દ્વારા ગેરકાયદેસર દબાણો કરાતાં તેની સુખસરના એક જાગૃત નાગરિક દ્વારા તાલુકા કક્ષાએથી લઈ રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરેલ છે.તેમજ દબાણ કર્તાંઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા નિયમોનુસાર ભરવી પડતી ફી પણ પણ ભરેલ હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રો દ્વારા દબાણ કર્તાંઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં વિવિધ બાબતોને આગળ લાવી દબાણો હટાવવા માટે જવાબદાર તંત્રો દ્વારા પીછે હટ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
સુખસરના અરજદાર દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસરમાં ગૌચર જમીન,સરકારી પડતર જમીન તથા ખરાબાની જમીન તેમજ ધાર્મિક સ્થળો માટે ફળવાયેલી જમીન ઉપર કેટલાક વગ ધરાવતા પૈસાદાર ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી જમીન હડફ કરવામાં આવેલ છે.જેમાં આ દબાણ કર્તાઓ પૈકી કેટલાક દબાણ કર્તાંઓ દ્વારા વેપાર ધંધા માટે દબાણો કરેલ હોવાનું જાણવા મળે છે.તેમજ કેટલાક દબાણ કર્તાં ઓએ પાકાં રહેણાંક મકાનો ઉભા કરી દીધેલા છે.તેમાં આ દબાણ કર્તાં ઓ પાસે સુખસર નગર સહિત ઝાલોદ- દાહોદમાં પણ વૈભવી મકાનો હોવા છતાં ખોટા પુરાવા ઊભા કરી વહીવટી તંત્રોને ગુમરાહ પણ કરી રહ્યા છે.અને ધાર્મિક સ્થળ માટે ફાળવેલી જમીન અને સરકારી જમીન હડપ કરવાની કોશિશ કરી રહેલ હોવાની રજૂઆત કરવામાં આવી છે.જે બાબતે તાલુકા અને જિલ્લામાં રજૂઆત થતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયત ધારો ૧૯૯૩ ની કલમ ૫ અન્વયે દબાણ હટાવવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોવાનું જણાવેલ છે.તેમજ આ દબાણો દૂર કરી અહેવાલ રજૂ કરવા ગ્રામ પંચાયત સુખસરને નોટિસ પણ આપવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી તે પ્રત્યે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળે છે.
સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવા માટે સુખસર ગ્રામ પંચાયતને નોટિસ આપવામાં આવેલ છે.કલમ-૧૦૫ મુજબ દબાણ હટાવવાની સત્તા ગ્રામ પંચાયતને છે.જે સંદર્ભે દબાણ હટાવી અત્રે રિપોર્ટ રજૂ કરવા સુખસર ગ્રામ પંચાયતને નોટિસ પણ આપવામાં આવેલ છે.
પી.એસ.અમલીયાર(તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી,ફતેપુરા)
અમો વર્ષ ૨૦૧૬ થી સુખસરમાં કરવામાં આવેલ ગૌચર, સરકારી તથા ખરાબાની તેમજ ધાર્મિક સ્થળને ફાળવેલી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરતા આવેલ છીએ.તેમ જ અમોએ લેન્ડ ગ્રેબિંગની રૂપિયા ૨૦૦૦ ફી પણ ભરેલ છે.જેનું પણ એક વર્ષ થવા આવ્યું છે.તેમજ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને દાહોદ સ્વાગત મહેસુલ વિભાગના કાર્યક્રમમાં પણ આ કેસ રજૂ કરવામાં આવેલ હતો.છતાં લાગતા-વળગતા તંત્રો દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.