બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના લખનપુર હાઇવે માર્ગ ઉપર ટ્રક-અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત.
હરિયાણા પાસીંગની ટ્રક મેટલ ભરી સંતરામપુર તરફ જઈ રહી હતી,જ્યારે ઝાલોદ તાલુકાના હડમત ખુટા ગામનો યુવાન વાંકાનેર મામાના ઘરેથી પરત ઝાલોદ તરફ જતા અકસ્માત સર્જાતા મોતને ભેટ્યો.
સુખસર,તા.28
ફતેપુરા તાલુકો સુખસર પોલીસ હદ વિસ્તારમાં આવેલા લખાણપુર ગામે હાઇવે મારગ ઉપર સોમવાર રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં ટ્રક અલ્ટો કાર વચ્ચે અકસ્માતમાં અલ્ટો ચાલકને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.અકસ્માત
નોતરનાર ટ્રક સહિત તેના ચાલકને સુખસર પોલીસે ઝડપી મૃતકના પી.એમ બાદ લાશનો કબજો તેના વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ઝાલોદ તાલુકાના હડમતખુટા ગામના ડામોર મિનેશકુમાર સોમસિંગભાઈ ઉંમર વર્ષ 30 સોમવાર રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના વાંકાનેર થી પરત ઘરે જવા અલ્ટો કાર નંબરનંબર જીજે.20-એએચ-3179 માં સુખસરથી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર થી પસાર થઈ રહ્યા હતા. તેવા સમયે લખણપુર ટેકરી પાસે સામેથી આવતી ટ્રક નંબર-એચઆર. 58-સી.0585 ના ચાલકે પુરપાટ અને ગફલત ભરી રીતે પોતાના કબજાની ટ્રકને હંકારી લાવી અલ્ટો કારને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા અલ્ટો ચાલક મિનેષ કુમાર ડામોરને માથામાં તથા શરીરે જીવલેણ ઇજાઓ પહોંચતા તાત્કાલિક ઝાલોદ દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા જ મિનેષકુમારનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે વાંકાનેર ગામના અમિતભાઈ દલસુખભાઈ ભાભોરનાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.