
રાજેશ વસાવે દાહોદ
*સુજલામ સુફલામ અભિયાન થકી દાહોદમાં જળસંચય-સંગ્રહ સાથે ૨.૨ લાખથી વધુ માનવદિનની મળશે રોજગારી*
*દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત આ વર્ષે રૂ. ૩૧૪૦.૭૪ લાખનાં ૧૭૭૦ કામોનું આયોજન*
*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત સુજલામ સુફલામ જળઅભિયાનને રાજ્યમાં વ્યાપક સફળતા – સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર*
આકાશમાંથી વરસતા કાચા સોનાને સંગ્રહિત કરવાના રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનનો દાહોદ જિલ્લાના લીમખેડા ખાતેથી પ્રારંભ થયો છે. લીમખેડાના ગામ તળાવ, વડેલા ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જળસંચયના આ મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અભિયાન થકી જિલ્લામાં જળસંગ્રહ-સંચય સાથે ૨,૨૧,૫૧૦ માનવદિનની રોજગારી પણ મનરેગા અંતર્ગત આપી શકાશે. દાહોદ જિલ્લામાં સુઝલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત આ વર્ષે ૩૧૪૦.૭૪ લાખ રૂ. નાં ૧૭૭૦ કામોનું આયોજન કરાયું છે.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૮માં જળસંચય અને જળસંગ્રહના અભિયાનનો રાજ્યમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને રાજ્યમાં વ્યાપક સફળતા મળી છે. જે આ વખતે છઠ્ઠા ચરણમાં પ્રવેશ થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અને જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતામાં તો વધારો થયો છે. સાથે શ્રમિકોને રોજગાર આપવામાં પણ આ અભિયાન સહાયક બન્યું છે.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં પણ આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમ રીપેરીંગ, નદઓના પ્રદૂષણ અટકાવવા, વનતલાવડી, પીવાના પાણીનો બગાડ અટકાવવા જનજાગૃતિ અભિયાન, નદીઓ પુન:જીવિત કરવી, વોટર શેડ દ્વારા નવીન ચેકડેમ સહિતના કામો હાથ ધરવામાં આવશે. આ અભિયાન થકી જિલ્લામાં જળસંગ્રહ-સંચય સાથે ૨૨૧૫૧૦ માનવદિનની રોજગારી પણ મનરેગા અંતર્ગત આપી શકાશે.
આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત થયેલી કામગીરી વિશે જણાવતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં ૧૨૭૨ માટીપાળા-વનતલાવડી, તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી ૩૭,૫૩,૩૭૧ ઘનમીટર પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે.
તેમણે ઉમેર્યું કે, ભૂર્ગભ જળસ્તર ઊંચું આવ્યું છે. ખોદકામથી નીકળેલી માટીના કાંપનો ખેતરોમાં ઉપયોગ થવાથી ફળદ્વુપતામાં વધારો થયો છે અને પાણીની સમસ્યાઓ હળવી કરી શકાઇ છે. જિલ્લામાં આ પાચ વર્ષ દરમિયાન ૪૪૫૯ ચેકડેમ ડિસલ્ટિંગના કામો તેમજ ૪૯૧ ચેકડેમ રિપેરીંગના કામો કરાયા છે. જેથી ખેડૂતોને સિંચાઇ સુવિધાનો લાભ મળતા તેમના જીવનધોરણમાં સુધારો થયો છે.
આ પ્રસંગે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન નાયબ પશુપાલન નિયામક ડો. કમલેશ ગોસાઈએ કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર સહિતના પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, ડીઆરડીએ નિયામકશ્રી તેમજ સિંચાઇ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત આ વર્ષે ૩૧૪૦.૭૪ લાખ રૂ. નાં ૧૭૭૦ કામોનું આયોજન કરાયું છે. જેમાં રાજ્ય સિંચાઇ વિભાગના ૧૧૯ કામો રૂ. ૩૦૧ લાખના ખર્ચે, પંચાયત સિંચાઇ વિભાગના ૪૪૫ કામો રૂ. ૧૫૮૨ લાખના ખર્ચે, વનવિભાગના ૪૧ કામો રૂ. ૩૯ લાખના ખર્ચે, મનરેગા અંતર્ગતના ૯૧૨ કામો ૧૦૫૬ લાખ રૂના ખર્ચે, વોટરશેડ વિભાગના ૨૫૩ કામો રૂ. ૧૬૩ લાખના ખર્ચે પૂર્ણ કરાશે.
૦૦૦