દાહોદ તા.૧૬
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ ગામોમાં માસ્ક ફરજીયાત પહેરવાની જાહેરાત કરવામાં આવી છે. માસ્ક ન પહેરી નિયમોનું ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી પ્રથમ વખત રૂ.૨૫૦ અને બીજી વખત ૫૦૦ દંડ વસુલ કરવામાં આવનાર હોવાનુ પણ જાણવા મળ્યું છે.
દાહોદમાં કોરોના સંક્રમણથી સંક્રમીત થયેલ વ્યક્તિઓની સંખ્યા ત્રણ પર પહોંચી છે ત્યારે લોકો આ બાબતે જાગૃત રહી, સાવચેતીના પગલા લેવા તેવા સુચનો સાથે જિલ્લામાં માસ્ક ફરજીયાત પહેરવું અનિવાર્ય બની રહ્યું છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે પરિપત્રમાં જણાવ્યુ અનુસાર, ઉપરોક્ત બાબતની ફરજીયાત પાલન કરાવવાની અને પાલન ન કરનાર વ્યક્તિ પાસેથી પ્રથમ વખત ૨૫૦ પેટે અને બીજી વખત રૂ.૫૦૦ લેખે ફરજીયાત દંડ ઉઘરાવવાનું સુચના આપવામાં આવી છે. દંડ ઉઘરાવવાની કામગીરી તલાટી કમ મંત્રીએ કરવાની હોવાનું જણાવાયું છે તથા આ દંડની રકમ જે તે ગ્રામ પંચાયતના સ્વભંડોળ જમા લેવાની જણાવ્યું હોવાનું જાણમાં આવ્યું છે. ઉપરોક્ત આદેશનું સખ્તતાઈથી પાલન કરાવવા માટે તાલુકા વિકાસ અધિકારીઓને અંગત ધ્યાન રાખવા પણ જણાવાયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ગ્રામપંચાયતના સરપંચો તથા તલાટીઓને સખ્તાઈથી આ આદેશોનું પાલન કરવાનું જણાવાયું છે. ખાસ કરીને ગામડાઓમાં આ વાયરસનો ફેલાવો ના થાય તેની આરોગ્ય વિભાગ તેમજ તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપી ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા તેમજ નિયમોનું પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે.