
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં પાછોતરા વરસાદથી ચોમાસુ પાકોને જીવતદાન: ધરતીપુત્રોને રવી સીઝન માટે આશા બંધાઈ.
ફતેપુરા તાલુકામાં પાણીના અભાવે ચોમાસુ સીઝનના પાકો નિષ્ફળ જવાની અણીના સમયે વરસાદ થતા ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.
તાલુકામા પાછોતરા વરસાદથી આગામી સમયમાં રવી સીઝન સહીત ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાનો પ્રશ્ન યથાવત.
તાલુકામાં પાછોતરા વરસાદથી તૈયાર થવા આવેલ મકાઈની ખેતીને સામાન્ય નુકસાન થવાની,જ્યારે ડાંગર તથા અન્ય પાકો માટે સારા સંકેત.
( પ્રતિનિધિ ) સુખસર,તા.29
ચાલુ વર્ષે ફતેપુરા તાલુકામાં જૂન મહિનાના છેલ્લા દિવસોમાં મેઘરાજાએ આગમન કરતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા.જેમાં સામાન્ય વરસાદથી મકાઈ જેવા પાકોની વાવણી કરી દેવામાં આવી હતી.ત્યારબાદ સમયાંતરે સામાન્ય વરસાદ થતો રહેતા ખેડૂતોને ચોમાસુ સિઝન નિષ્ફળ જવાનો ભય ઉભો થયો હતો.પરંતુ પાછોતરા વરસાદથી મકાઈની ખેતી બચી જતા ખેડૂતોમાં હાશકારો થયો છે.જ્યારે ડાંગરની ખેતી લાયક વરસાદની રાહ જોતા કેટલાક ખેડૂતોને સમયસર વરસાદના અભાવે ડાંગરની ખેતીથી અળગા રહેવાનો સમય પણ આવ્યો છે.પરંતુ પાછોતરા વરસાદથી મકાઈ જેવી ખેતીને જીવતદાન મળ્યું છે.અને શિયાળામાં રવિ સિઝન માટે અને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નો પ્રશ્ન હલ થવાના સંકેત જણાતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ગત જૂન માસના છેલ્લા દિવસોમાં ચોમાસાનો સામાન્ય વરસાદ થતાં ખેડૂતોએ મકાઈ જેવા પાકોની ખેતી કરી દીધી હતી ત્યારબાદ ઓગસ્ટ માસ સુધીમાં નદી,નાળા,કૂવા, તળાવ વરસાદી પાણીથી છલકાવા જોઈએ તેની જગ્યાએ માત્ર ખાબોચિયા નજરે પડતા હતા.અને સામાન્ય કહી શકાય તેવા સામાન્ય વરસાદી ઝાપટા પડતા રહેતા મકાઈ જેવા પાકો જેમતેમ બચી રહ્યા હતા. જેથી ચોમાસુ સીઝન નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવતો હોય નિરાશા તરફ ધકેલાતા રહ્યા હતા.ત્યારબાદ તાલુકામાં ચાલુ સપ્ટેમ્બર માસમાં સારો કહી શકાય તેવો વરસાદ પડતા નદી-નાળા,કૂવા,તળાવમાં પાણીનો સંગ્રહ થયેલ જોવા મળે છે.જ્યારે મકાઈ જેવા પાકોને પાછોતરા વરસાદથી જીવતદાન પણ મળ્યું છે. અને પાકણીના આરે પહોચી છે.જોકે પાછોતરા વરસાદ અને પવનથી મકાઈ જેવા પાકો પડી જતા ખેતીની ઉપજમાં થોડો ફટકો પડે તેમ પણ જણાઈ રહ્યું છે.પરંતુ હાલ ખેડૂતો તૈયાર થયેલ મકાઈના ડોડાની લણણી કરવામાં લાગ્યા છે.જેથી મકાઇ પાક માં નુકસાન થવાનો ભય રહ્યો નથી.
ડાંગરની વાવણી માટે સમયસર વરસાદી પાણીની રાહ જોતા કેટલાક ખેડૂતોએ મોડે મોડે કુવાના પાણીથી ડાંગર વાવણી કરી હતી.પરંતુ વરસાદના અભાવે ડાંગરની ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જવાનો ભય પણ ઉભો થયો હતો. અને ખેડૂતોએ ચાલુ વર્ષે ડાંગરની ખેતીની આશા છોડી દીધી હતી.ત્યારેજ ચાલુ માસ દરમિયાન તાલુકામાં વરસાદ થતા ડાંગર તથા અન્ય પાકોની ખેતીને જીવતદાન મળ્યું છે.જોકે કેટલાક ખેડૂતોએ ડાંગર વાવણી માટે વરસાદી પાણીની રાહ જોતા વરસાદ નહીં થતા ડાંગરની ખેતી જતી કરી ખેતરો જેમના તેમ પડેલા હોવાનું પણ જોવા મળે છે. જ્યારે જે ખેતરોમાં ડાંગરની વાવણી કરવામાં આવેલ છે તેમાં સારી ઉપજ ના અણસાર પણ જણાઈ રહ્યા છે.
વરસાદના અભાવે ચોમાસા દરમિયાન ખેડૂતોને ખેતી પાકોમાં ગયેલ નુકસાની પાછોતરા થયેલ વરસાદથી આવનાર શિયાળાની રવી સીઝનમા ભરપાઈ થવાની આશા જણાતા ખેડૂતોમા ખુશી જોવા મળે છે.હાલ નદી-નાળા,કુવા અને તળાવોમાં સંપૂર્ણ નહીં પરંતુ સારો કહી શકાય તેવો પાણીનો સંગ્રહ થતા રવિ સિઝનના પાકો માટે ખેડૂતોને સારી આશા બંધાઈ છે.ત્યારે ચોમાસાની ખેતીમાં વરસાદના અભાવે ગયેલ નુકશાન શિયાળું રવિ સીઝનની ખેતીમાં કોઈપણ પ્રકારની કુદરતી આફત ન આવે તો સારી ઉપજ મેળવવાની આશા જન્મતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ફતેપુરા તાલુકામાં રવિ સિઝન તથા ઉનાળામાં પીવાના પાણી માટે વરસાદ પૂરતો નથી.
અગાઉના વર્ષોની દ્રષ્ટિએ જોતા ઓગસ્ટ માસ સુધીમાં નદી,નાળા, તળાવો,કૂવાઓમાં સારા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયેલ હોવો જોઈએ. તેમ છતાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં નદી-નાળા,તળાવો,કુવાઓમાં માત્ર ખાબોચિયા ભરેલા નજરે પડતા હતા. જેથી ખેડૂતો ચિંતિત હતા.સાથે-સાથે આવનાર સમયમાં અને તે પણ ખાસ કરીને ઉનાળાના છેલ્લા દિવસોમાં પીવાના પાણી માટે ગંભીર સમસ્યા સર્જાવાના સંકેત જણાઈ રહ્યા હતા. ત્યારે તાલુકા જિલ્લા તંત્રથી લઈ રાજ્ય સરકાર પણ દ્વિધામાં હતી. જ્યારે સપ્ટેમ્બર માસમાં અતિભારે નહીં પરંતુ સારો કહી શકાય તેવો વરસાદ થતાં નદી,નાળા,કુવા અને તળાવોમાં પાણીનો સંગ્રહ થતા રવિ સિઝન સહિત ઉનાળામાં પીવાની પાણી માટે ઉભી થનાર વિકટ પરિસ્થિતિ ઉપર કાબુ રહેશે તેવુ કહી શકાય.પરંતુ હજી પણ પાણી માટે ઉનાળાના છેલ્લા દિવસોમાં ઉભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ વરસાદ થઈ ગયો છે તેવું કહેવું અસ્થાને છે. હજી પણ વરસાદી માહોલ સર્જાય છે અને વરસાદના પાણીથી નદી-નાળાઓ છલકાવા જરૂરી જણાય છે.