બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામા ચોમાસુ સિઝનની ખેતી સહિત વિવિધ સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલી પ્રજા:ચોમાસુ વરસાદના અભાવે સીઝન નિષ્ફળ જવાના ભયે ખેડૂતો ચિંતિત.
સરકારની વિવિધ યોજનાઓમાં આમ પ્રજા સાથે થતા અન્યાયની ઉઠેલી બૂમો.
તાલુકાના અનેક ગામડાઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવા ની ચર્ચા.
( પ્રતિનિધિ ) સુખસર,તા.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની પ્રજા વિવિધ પ્રશ્નો વચ્ચે ઘેરાયેલી છે. જેમાં ખાસ કરીને હાલ ખેડૂતો વરસાદી પાણીના અભાવે પોતાની ખેતી નિષ્ફળ જવાના ભયથી ચિંતિત છે.જ્યારે બીજી બાજુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ યોજનાઓમાં સાચા લાભાર્થીઓને અન્યાય થતો હોવાની પણ બૂમો ઉઠી રહી છે.ત્યારે પ્રજા સાથે થતા અન્યાય બાબતે લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપી પડતી મુશ્કેલી દૂર કરવા પ્રજાની માંગ ઉઠી રહી હોવાનું જાણવા મળે છે.
હાલ ફતેપુરા તાલુકામાં જોઈએ તો તાલુકાના ખેડૂતોએ ચોમાસુ સિઝનની એસી ટકા જેટલી ખેતીમાં વાવેતર કરી ચૂકયા છે.તેમાં મોટાભાગની ખેતીમા મકાઈનું વાવેતર કરેલ છે.જ્યારે કેટલીક જગ્યા ઉપર ડાંગરની ખેતી માટે વરસાદી પાણીની રાહ જોતા જોતા અડધું ચોમાસુ પૂર્ણ થવા આવ્યુ હોવા છતાં અનેક ખેતરો જેમના તેમ પડેલા નજરે પડે છે.અને હવે ડાંગરની ખેતી માટે સમય પણ નીકળી ચૂક્યો છે. ત્યારે હાલ એક મકાઇના પાક ઉપર ખેડૂતો આશા બાંધી બેઠા છે. પરંતુ લાંબા સમયથી વરસાદ નહી થતા મકાઈની ખેતીપાકમાં પણ મોટો ફટકો પડવાના એંધાણ જણાઈ રહ્યા છે ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. તેમજ આવનાર રવી સીઝન અને ઉનાળામાં પીવાના પાણી માટેની વિકટ સમસ્યા ઉભી થશેના અણસાર જણાતા તાલુકાની પ્રજામાં હાલથીજ ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે.જો કે હજી ચોમાસુ દિવસો બાકી હોય વરસાદ આવશેની આશામાં પ્રજા માનસિક રીતે ખુશ રહી ચોમાસુ સિઝનની ખેતી પાકના ફટકાને ભૂલવાનો પ્રયત્ન કરી રહી છે.
તાલુકામાં હાલ માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.જ્યારે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં શરદી,ખાંસી, તાવ-માથા જેવી વાયરલ બીમારીથી અનેક લોકો પીડાઇ રહ્યા છે.અને સરકારી,ખાનગી દવાખાનાઓમાં દર્દી લોકોની વહેલી સવારથી જ ભીડ જામતી હોવાનું નજરે જોતા જણાઈ આવે છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે જઇ વાઇરલ ઇન્ફેક્શનની બીમારીમાં સપડાયેલા લોકોને સલાહ સુચન આપી સમયસર સારવાર કરાવી સાજા થાય તેના માટે જાગૃતિ લાવવાની જરૂરત જણાઈ રહી છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા હોવાનું પણ જોવા મળે છે.ત્યારે આ કર્મચારીઓ પ્રત્યે તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી જણાય રહ્યું છે.
તાલુકામા ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ લાભો આપવાની યોજના અમલમાં મૂકેલી છે.પરંતુ આ યોજનાઓમાં મળતિયા અને માલદાર લોકોને પ્રાથમિકતા આપવામાં આવતી હોય ખરેખર સાચા લાભાર્થીઓ સરકારની યોજનાઓના લાભથી વંચિત રહી જતા હોવાની પણ અવારનવાર બૂમો ઉઠતી રહે છે.હજી પણ તાલુકામાં અનેક સાચા લાભાર્થીઓ મળવાપાત્ર લાભથી વંચિત હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા દરેક ગામડાઓમાં ચાંપતી નજર રાખવામાં આવે તે પણ જરૂરી જણાય છે.
ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના એક ફળિયાના ૪૦ જેટલા પરિવારો ને ગત ૧૦ વર્ષ આગાઉ વીજ પુરવઠો આપવામાં આવેલ હતો.પરંતુ કોઇ કારણોસર વીજ કનેક્શન કપાઈ જતાં અને દસ વર્ષ જેટલો સમય વિતવા છતાં અને અનેકવાર વીજતંત્ર ને રજૂઆતો કરવા છતાં પણ આજદિન સુધી વીજળી પહોંચી શકી નહીં હોવાનું મોટાનટવાના સામાજિક કાર્યકર રાકેશભાઈ કટારા જાણવા મળે છે.સ્થાનિકોએ અનેકવાર વીજતંત્ર ને નવું વિજ કનેક્શન મેળવવા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાની સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો ઉઠી રહી છે.
જ્યારે ફતેપુરા તાલુકામાં સરકારી નોંધ મુજબ ૧૨ જેટલી ગ્રામ પંચાયતોના ગામડાઓમાં આજ દિન સુધી સ્મશાન ઘરનો પણ લાભ મળ્યો ન હોવાનું જાણવા મળે છે.જોકે આ બાબત સરકારી ચોપડે નોંધ છે,પરંતુ ખરેખર અનેક ગામડાઓમાં હજી સુધી સ્મશાન ગૃહ વિના ખુલ્લામાં મૃત સ્વજનોના અંતિમ સંસ્કાર કરાતા હોવાનું નજરે જોતા જણાઈ આવે છે. તેમજ કેટલાક ગામડાઓમાં સ્મશાન ગૃહ બનાવ્યા વિના ઓનપેપર સ્મશાન ગૃહ બતાવી તેના નાણાં ચાઉ થયા હોવાના કિસ્સા પણ તપાસ દરમિયાન પ્રકાશમાં આવે તો નવાઈ પામવા જેવી બાબત કહી શકાય નહીં.
ફતેપુરા તાલુકામાં મોટા ભાગના લોકો શ્રમિક અને ખેડૂતો છે.અને તેઓ છૂટક મજૂરી ધંધો કરી માંડ બે સમયના રોટલા રળી રહ્યા હતા.ત્યાં મોંઘવારીએ માઝા મૂકતા અનેક પરીવારો અર્ધ ભૂખ્યા રહી જીવન વ્યતીત કરી રહ્યા છે.જે ચીજ વસ્તુઓના એક વર્ષ આગાઉ ભાવો હતા જેનાથી ચાલુ સમયમાં બે થી ત્રણ ગણા ભાવો વધી જતા મધ્યમ વર્ગના લોકોને પરિવારનું ભરણપોષણ કરવું અસહ્ય થઈ પડ્યું છે.મોટાભાગે પેટ્રોલ-ડિઝલના ઉછાળતાં ભાવો સામે પ્રજા અવાજ ઉઠાવી રહી છે.પરંતુ પ્રાથમિક જરૂરિયાતોની ચીજવસ્તુઓમાં વધેલા ભાવો મૂંગા મોઢે સહન કરી રહ્યા છે.તેમાં પણ તાલુકાની પ્રજામાં એક સહનશક્તિ હોવાનો એસાસ થઈ રહ્યો છે.