Saturday, 03/12/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદ્દામાં બંધારણના શિડ્યુલ પ્રમાણે બેઠકો ફાળવવા માંગ.

August 10, 2021
        2564
દાહોદ જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદ્દામાં બંધારણના શિડ્યુલ પ્રમાણે બેઠકો ફાળવવા માંગ.

બાબુ સોલંકી :- સુખસર 

દાહોદ જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરપંચના હોદ્દામાં બંધારણના શિડ્યુલ પ્રમાણે બેઠકો ફાળવવા માંગ.

 સરપંચ તથા ડેપ્યુટી સરપંચ ના હોદ્દા માટે વર્ષો અગાઉ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ રોટેશન પ્રમાણે બેઠકો ફાળવવા વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે રજૂઆત.

 8.સપ્ટેમ્બર-1994 થી જાહેર થયેલા નિયમોનું અર્થઘટન કરીને સરકારે તાલુકાના તમામ ગામોના નામો એબીસીડી એમ અંગ્રેજી કક્કા મુજબ વારાફરતી અનામતનું રોસ્ટર તૈયાર કરવું જોઈએ.

બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ “એક વખત અનામત આપ્યા પછી તેજ વર્ગને તે ગ્રામ પંચાયતમાં સરપંચનો હોદ્દો રોટેશન પૂર્ણ થાય ત્યાં સુધી ફરીથી મળવાપાત્ર નથી.”

( પ્રતિનિધિ ) સુખસર,તા.10

પંચાયતી રાજ્ય સત્તા મળ્યા બાદ કેટલીક જ્ઞાતિઓને અનેક ક્ષેત્રે અન્યાય થતો આવેલ છે.જે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો દ્વારા સુધારા-વધારા પણ કરવામાં આવે છે. પરંતુ કરવામાં આવતા સુધારાઓને સ્થાનિક કક્ષાના જવાબદારો દ્વારા અમલ કરવા અવગણના કરવામાં આવતી હોય તેવું પણ જોવા અને જાણવા મળે છે.ત્યારે દેશના તમામ જ્ઞાતિ-જાતિના નાગરિકો બધાજ ક્ષેત્રોમાં સરખો હક્ક ધરાવે છે.અને તેઓને બંધારણીય હક્ક પ્રમાણે ન્યાય પણ મળવો જોઈએ.તેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા અને ઓછી વસ્તી ધરાવતા નાગરિકો પોતાના હક્કોથી વંચિત રહેતા આવેલા છે.તેમાં એક બાબત ગ્રામ પંચાયત સરપંચ પદમાં પણ દાયકાઓથી અન્યાય થઇ રહ્યો છે.જેમાં સરપંચના હોદ્દા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રોટેશન પ્રમાણે વારાફરતી અનામતનું રોસ્ટર તૈયાર થાય તો નિયમો મુજબ તમામ જ્ઞાતિના નાગરિકોને સરખો ન્યાય મળી શકે.
જાણવા મળેલ વિગતો મુજબ વર્ષ-1994 માં બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોમાં વર્ષ-2016 પછી યોજાનાર ચૂંટણીઓમાં રોટેશન પ્રમાણે સરપંચ તથા ઉપ સરપંચના પદો માટે રિઝર્વેશનનું રોટેશન શિડયુલ મેન્ટેઇન કરવા આદેશ કરવામાં આવેલ છે.દર નવી ચૂંટણીએ એકના એક ગામોમાં પંચાયતોમાં એસ.ટી,એસ.સી, ઓબીસી અને મહિલા અનામતના શિડયુલની થીયરી નક્કી કરતી વસ્તી ગણતરીને બદલે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે પંચાયત અધિનિયમ એક્ટ અમલમાં આવ્યો ત્યારનો સમયગાળો ધ્યાને લેવા કલેકટરોને પત્ર લખીને સૂચના પણ આપવામાં આવેલ છે.રોટેશન શિડ્યુલમાં મહત્વના આ સુધારાથી વર્ષ-2016 બાદ જે ગામમાં એક વખત જે કેટેગરી માટે સરપંચ, ઉપસરપંચ પદનું પદ અનામત રહ્યું હશે તેજ કેટેગરી માટે બીજી ટર્મમાં અનામત રાખી શકાશે નહીં તેવો નિર્ણય લેવામાં આવેલ છે.

સરકારની આ નવી સિસ્ટમથી તાલુકા સ્તરે જે ગામોમાં વર્ષ- 1994થી પ્રત્યેક ચૂંટણીએ સરપંચનું પદ અનામત રહેતું હશે તે ગામોમાં વર્ષ- 2016 અને ત્યારબાદ યોજાનાર ચૂંટણીમાં પુનઃ અનામત આવશે નહીં. તાલુકાના અન્ય ગામોમાં કે જ્યા અનામત કેટેગરીના વર્ગોની વસ્તી ઓછી હશે ત્યાં પણ તેમને સરપંચ પદનું પ્રતિનિધિત્વ મળી શકશે.આ નિયમ જે-તે સમયના વિભાગના નાયબ સચિવ વનરાજસિંહ પઢેરીયાની સહીથી ઉપરોક્ત આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો.આ પત્રના અર્થઘટનને સમજાવતા સૂત્રોએ કહ્યું હતું કે,”એક વખત અનામત આપ્યા પછી તેજ વર્ગને તે ગ્રામ પંચાયતમાં સરપંચનો હોદ્દો રોટેશન પૂર્ણ થાય ત્યાં સુધી ફરીથી મળવાપાત્ર નથી.પરંતુ તે પછીના વર્ગમાં આવતો હોય તે વર્ગ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો રહેશે.આ નિર્ણયની સીધી અસર એ થાય કે,જે તાલુકાની ચોક્કસ ગ્રામ પંચાયતોમાં વર્ષોથી આવા હોદ્દાઓ અનામત રહેતા હતા ત્યાં જ્યા સુધી તમામ ગામોમાં રિઝર્વેશનનું રોટેશન પૂરું ન થાય ત્યાં સુધી બીજી વખત અનામત આવશે નહીં.

રોટેશનની સિસ્ટમને આ રીતે સમજીએ……

ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિતના હોદ્દાઓમાં બંધારણના સિડ્યુલ હેઠળના એસટી અને એસી વર્ગોને વસતીના ધોરણે તેમજ ઓબીસી માટે 10 ટકા બેઠકો અનામત રાખવાની હોય છે.ધારો કે એક તાલુકાના 60 ગામો હોય અને તેમાંથી 10 ગામોમાં એસ.ટી,12 ગામોમાં એસી,અને 22 ગામોમાં ઓબીસીની વસતી વધારે હોય તો અત્યાર સુધી આવા ગામોમાં જ આ ત્રણેય કેટેગરી માટે તેમની કુલ વસ્તીના અનુપાતમાં રિઝર્વેશન જાહેર કરવામાં આવતું હતું.દર વર્ષે વસ્તી ગણતરી બાદ એકના એક ગામોમાં સતત અનામત રહેતું હોવાથી બીજા ગામોને તેનો લાભ મળતો નહોતો. આથી 8.મી સપ્ટેમ્બર-1994 થી જાહેર થયેલા નિયમોનું અર્થઘટન કરીને સરકારે તાલુકાના તમામ ગામોના નામો એબીસીડી એમ અંગ્રેજી કક્કાના મુજબ વારાફરતી અનામતનુ રોસ્ટર તૈયાર કરવા તમામ જીલ્લાના કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!