
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કંથાગરમાં બે માસ અગાઉ કોરોનામાં મોતને ભેટેલા ચાર સભ્યોના બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ.
કંથાગરમાં ગત બે માસ અગાઉ એક જ ઘરના મકાનમાલિક, તેમના પત્ની,પુત્ર તથા પુત્રવધૂ મળી ચાર સભ્યો કોરોનાથી મોતને ભેટયા હતા.
તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી,તિજોરીઓ તથા અન્ય ચીજવસ્તુઓની તોડફોડ કરતાં કાઇ નહીં મળી આવતા બોર માંથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરી ચોરલોકો પલાયન.
મૃતક મકાન માલિકના પુત્ર કંથાગર મકાનને તાળા મારી ગોધરા ખાતે આવેલ મકાનમાં નોકરી ધંધા અર્થે રહેવા ગયેલ હતા.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૬
ફતેપુરા તાલુકાના કંથાગરમાં ગત બે માસ અગાઉ એકજ ઘરના ચાર-ચાર સભ્યો ટુંકા દિવસોમાં કોરોનાથી મોતને ભેટતા પોતાના સ્વજનોને ગુમાવનાર ઘરના સભ્યોના આંસુ હજી સૂકાયા નથી,અને ડુસકા શમ્યા નથી.અને તેવાજ સમયે અસામાજિક નિર્દયી ચોરલોકો મૃતકોના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરે,ત્યારે તેવા ચોર લોકો ઉપર પ્રજા ફિટકાર વરસાવે તે સહજ બાબત છે. ચોર લોકોએ મોટી મિલકત મળવાની આશાએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા અને તિજોરીઓ ની પણ તોડફોડ કરી પરંતુ તેઓને કંઇ હાથ ન લાગતાં મકાનની બાજુમાં આવેલ બોરમાંથી મોટરની ચોરી કરી પલાયન થઈ જતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકા કંથાગરના ઉસરા ફળિયા ખાતે રહેતા ચુનીલાલ ભાઈ બારીયા વડોદરા ખાતે સરકારી નોકરી કરતા હતા.જેઓ ગત બે માસ અગાઉ કોરોનામાં સપડાયા હતા.અને સારવાર દરમિયાનમાં તેઓનુ મોત નીપજ્યું હતું. અને તેવાજ સમયે તેમના પત્ની સહિત તેમના પુત્ર અને પુત્રવધૂ ઉપર પણ કોરોનાએ કબજો જમાવતા ટૂંકા દિવસોમાં એક ઘરમાંથી ચાર સભ્યોના મોત નિપજયા હતા.જ્યારે મૃતક ચુનીલાલભાઈ ગોધરા ખાતે પણ પોતાનું મકાન ધરાવતા હતા.જ્યાં તેમના મોટા પુત્ર નોકરી અર્થે પરિવાર સાથે ગોધરા રહેતા હોય કંથાગર મકાનને તાળું મારી ગોધરા ગયેલા હતા. તે દરમિયાન ગુરુવાર રાત્રિના કોઈ અજાણ્યા ચોર લોકોએ ચુનીલાલ ભાઈના મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા.મકાનમાં રાખેલ બે તિજોરીઓ સહિત ઘરના અન્ય સામાનની પણ તોડફોડ કરી ચોર લોકોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ મકાનમાં કોઈ કીમતી ચીજ વસ્તુઓ નહીં મળી આવતા ચોર લોકોએ ચુનીલાલભાઈના મકાન પાસે આવેલ બોરની ઇલેક્ટ્રિક મોટર ચોરી કરી પલાયન થઈ ગયા હતા.જેની જાણ ગુલાબભાઈ બારીયાએ મૃતક ચુનીલાલભાઈના પુત્ર જીગ્નેશ ભાઈને મોબાઈલથી હકીકતની જાણ કરેલ ગોધરાથી જીગ્નેશભાઈ બારીયા આવી પહોંચતા તેની જાણ સુખસર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.તેમજ મકાનમાંથી કોઈ કીમતી ચીજ વસ્તુઓની ચોરી થયેલ નહીં હોવાનું જીગ્નેશભાઈ દ્વારા જાણવા મળ્યું હતું.પરંતુ નજીકમાં આવેલ બોરમાંથી ચોર લોકો મોટરની ચોરી કરી ગયેલ હોવાની ગુલાબભાઈ બીજીયાભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.