Wednesday, 28/07/2021
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પંથકનાં ગામડાઓમાં MGVCLના કંગાળ વહીવટથી પ્રજા ત્રાહિમામ..

July 13, 2021
        323
ફતેપુરા તાલુકાના સુખસર પંથકનાં ગામડાઓમાં MGVCLના કંગાળ વહીવટથી પ્રજા ત્રાહિમામ..

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના સુખસર પંથકનાં ગામડાઓમાં MGVCLના કંગાળ વહીવટથી પ્રજા ત્રાહિમામ.

સુખસર પંથકના કેટલાક ગામડાઓમાં રાત્રિના સમયે વિજ પ્રવાહ બંધ રખાતા ઝેરી જીવજંતુઓનો ભય વધ્યો.

 ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં કમ્પ્લેન માટે જાણ કરતા સ્થાનિક હેલ્પરને ફોન કરવા જણાવાય છે,સ્થાનિક હેલ્પર હાલ નોકરી ઉપર નહીં હોવાનો ઉડાઉ જવાબ આપી છટકી જાય છે.

હાલ સતત બે દિવસથી રાત્રિના સમયે વીજ પ્રવાહ નહીં આપતા કેટલાક ગામડાઓના વીજ ગ્રાહકો બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.

 સુખસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે વીજ પ્રવાહ ચાલુ રાખવા વીજ ગ્રાહકોની માંગ પ્રત્યે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે તેવી પ્રજાની માંગ.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૩

હાલ ચોમાસુ વરસાદની સીઝન શરૂ થતાની સાથે જ ફતેપુરા એમજીવીસીએલના જવાબદારોની ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતાં વીજ પ્રવાહ પ્રત્યે બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે.વર્ષભર વીજ મેન્ટેન્સ કરવાના બહાના હેઠળ કેટલાક દિવસ વીજ પ્રવાહ બંધ રાખવામાં આવે છે.પરંતુ મેન્ટેન્સના નામે બંધ રખાતા પ્રવાહના સમયે કામગીરી કરવામાં આવે છે કે કેમ?તે પણ એક સવાલ છે.જો વીજ મેન્ટેનન્સના નામે વીજ પ્રવાહ બંધ રાખવામાં આવે છે તેવા સમયે જે-તે કામગીરી સારી રીતે કરવામાં આવતી હોય તો હાલ ચોમાસાના સામાન્ય વરસાદમાં ફતેપુરા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે વીજપ્રવાહ ચાલી જાય છે અને લોકો બફારાથી શેકાઈ રહ્યા છે,તેવી પરિસ્થિતિ ઊભી થાય નહીં. જોકે હાલ તાલુકામાં સામાન્ય વરસાદ થયેલ છે.અને તેવા સમયે વીજ પ્રવાહ બંધ રખાતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.ત્યારે રાત્રિના સમયે નિયમિત વીજપુરવઠો આપવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામેલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં આવેલા કેટલાક ગામડાઓમાં સામાન્ય વરસાદ થયેલ છે જેના લીધે જમીન માંથી નીકળતા ગરમ બફારા તથા સૂર્યપ્રકાશની ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. જોકે દિવસના સમયે વીજપ્રવાહ વિના વૃક્ષો નીચે જઈને પણ બફારાથી છુટકારો મેળવી શકાય.પરંતુ રાત્રિના સમયે લોકોને હાલના સમયમાં ઘરની બહાર ઊંઘવું યોગ્ય નથી કારણકે સામાન્ય વરસાદ થી ધરતીમાંથી નીકળતી ઉની વરાળ ના કારણે ઝેરી જીવજંતુઓ રાત્રિના સમયે દરમાંથી બહાર નીકળી આવે છે.જેના લીધે રાત્રિના સમયે પ્રજામાં ભય રહેતો હોય છે. જ્યારે આવા સમયમાં વીજ પ્રવાહ વિના લોકોને ઘરમાં પણ ઊંઘી શકાતું નથી.ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે નિયમિત વીજ પ્રવાહ મળી રહે તેનુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.

ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં કમ્પ્લેન માટે ફોન કરતા સ્થાનિક હેલ્પરને જાણ કરવા જણાવાય છે

સુખસર પંથકના કેટલાક ગામડાઓમાં લાંબા સમય સુધી વીજ પ્રવાહ ચાલી જતા તેની ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરીમાં કમ્પ્લેન માટે ફોન કરવામાં આવે છે.ત્યારે ત્યાંથી જે-તે ફરજ ઉપરના સ્થાનિક હેલ્પરને ફોન કોન્ટેક્ટ કરી જાણ કરવા જણાવવામાં આવે છે.જ્યારે સ્થાનિક હેલ્પરનો કોન્ટેક્ટ કરતાં તેઓ હાલ ફરજ ઉપર નહીં હોવાનું અને અન્ય હેલ્પર હાલ ફરજ બજાવી રહેલ હોવાનું જણાવાય છે.તેમજ ફરજ ઉપરના હેલ્પરનો કોન્ટેક્ટ નંબર માગતા નંબર નહીં હોવાનું જણાવાય છે.આમ જવાબદાર તંત્રના કર્મચારીઓ દ્વારા વીજ પ્રવાહ ચાલુ કરવા માટે એકબીજા ઉપર ખો આપવામાં આવે છે.અને પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે.

છેલ્લા બે દિવસથી લખણપુર સબ સ્ટેશન દ્વારા કાળીયા ગામને અપાતો વીજ પુરવઠો રાત્રિના સમયે બંધ કરી દેવામાં આવે છે.

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં સામાન્ય કહી શકાય તેટલો વરસાદ થયેલ છે.તેમજ વરસાદી માહોલ પણ માત્ર કલાક કે બે કલાક રહે છે. ત્યારબાદ પવન પણ રહેતો નથી.તેમ છતાં હાલ છેલ્લા બે દિવસથી લખણપુર સબ સ્ટેશન દ્વારા કાળીયા ગામને અપાતો વીજપુરવઠો રાત્રિના સમયે બંધ કરી દેવામાં આવે છે.જે બાબતે ફતેપુરા કચેરીમાં જાણ કરતા થોડીવારમાં વીજ પ્રવાહ ચાલુ થઇ જશેનું જણાવવામાં આવે છે પરંતુ વીજ પ્રવાહ ચાલુ નહિ થતા સ્થાનિક લાઈનમેનને જણાવવા છતાં કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવતો નથી.અને રાત્રીના સમયે જીવ જંતુઓના ભય સાથે બફારાના લીધે લોકો ઉંઘ પણ લઈ શકતા નથી. ત્યારે લખણપુર સબ સ્ટેશનની કાર્યરીતિમા સુધાર લાવવા અને ફરજ ઉપરના કર્મચારીઓને યોગ્ય સલાહ સુચન આપી લોકોને રાત્રિના સમયે નિયમિત વીજપૂરવઠો મળી રહે તે પ્રત્યે વાકેફ કરવા ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપે તે જરૂરી છે.

વીજ ગ્રાહકની સામાન્ય ભૂલ માટે આકરા નિયમો,જ્યારે વીજ કર્મચારીઓની અનેક ભૂલો છતાં સબ ચલતા હૈ ની નીતિ કેમ..?

ફતેપુરા તાલુકામાં લગભગ તમામ પ્રજા વીજ વપરાશ કરી રહી છે.તેમાં કેટલાક વીજ ગ્રાહકો મજબૂરીવશ સમયસર વીજ બિલ ભરી શકતા નથી. ત્યારે તેવા લોકોના વીજમીટર કચેરી દ્વારા હટાવી લેવામાં આવે છે. અને આવા વીજ ગ્રાહકોને કોર્ટ-કચેરીના પણ ધક્કા ખાવા પડતા હોય છે.જ્યારે આ વીજ બિલ ભરપાઈ કર્યા બાદ નવેસરથી કાર્યવાહી કર્યા પછી બીજીવાર વીજમીટર આપવામાં આવે છે.તેમજ કેટલાક લોકો ઘર વપરાશમાં વીજચોરી કરતાં પણ ઝડપાય છે. તેઓની સામે યોગ્ય પગલાં ભરવા અને દંડ વસૂલાત કરવો તે યોગ્ય છે. પરંતુ કેટલાક દંડનો ભોગ બનેલા ગરીબ લોકો પોતાના મકાનનો પૂરેપૂરો કાટમાળ ઉતારી વેચાણ કરવા છતાં પણ પૂરતી રકમ નહીં થાય તેટલો હજારો રૂપિયાનો મોટો દંડ ફટકારવામાં આવે છે.અને આવા વીજ ચોરી કરતા લોકોને પકડવા માટે જાણે મોટા આતંકવાદીને પકડવા કોમ્બિંગ હાથ ધરવામાં આવતુ હોય તેમ એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ રેડ કરતા હોય છે.અને તેના માટે પણ વાંધો નથી.પરંતુ એમ.જી.વી.સી.એલ દ્વારા ગ્રાહકોને મળવી જોઇતી વીજ સુવિધા આપવા ઉણા ઉતરતા જવાબદાર કર્મચારીઓ મનસ્વી વહીવટ ચલાવતા હોય ત્યારે પ્રજા પાસે વીજ ગ્રાહક તરીકેના કોઈ હક નથી તેવું માની સબ ચલતા હૈ ની નીતિ અપનાવવી તે અયોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!