બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આઇ.ડી ના જવાનોને બે માસનુ વેતન નહીં ચુકવાતા મુશ્કેલીમાં.
પોતે બજાવેલ ફરજ નું વેતન હોળી-ધુળેટીના તહેવાર નિમિત્તે નહીં ચૂકવાતા જી.આર.ડી માં ફરજ બજાવતા ગરીબ પરિવારના સભ્યો તહેવાર ઉજવણીથી વંચિત રહેશે.!
સુખસર ,તા.05
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનમાં 70 જેટલા જી.આર.ડી ના જવાનો ફરજ બજાવી રહ્યા છે.જેઓને છેલ્લા બે માસથી વેતન ચૂકવવામાં આવ્યુ નથી.જ્યારે હાલમાં હોળી- ધુળેટીના તહેવાર નિમિત્તે આ વેતન નહીં ચૂકવતા ગરીબ પરિવારો માંથી આવતા સભ્યો કે જેઓ આ વેતન ઉપરજ તેમનો આધાર હોય તેવાઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે.ત્યારે તાત્કાલિક તેમણે બજાવેલી ફરજનું માનદ્ વેતન ચૂકવી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પોલીસની સમકક્ષ અને એક લાકડીના સહારે રાત્રી ફરજ બજાવી પ્રજાના જાન,માલ, મિલકતનું રક્ષણ કરતા જી.આર.ડી ના જવાનો મોટાભાગે ગરીબ પરિવારોમાંથી આવે છે.અને જેઓ દિવસ દરમિયાન ખેત મજૂરી અથવા દાહાડિયા મજૂરી કરી જ્યારે રાત્રી સમયે જી.આર.ડી ની ફરજ બજાવવા આવતા હોય છે.અને તેઓને દર મહિને સમયસર તેમણે બજાવેલી ફરજનું માનદ્ વેતન ચૂકવી આપવામાં આવે તો સવાર સાંજ પરિવારના ભોજન માટે સરળતા રહે તેમ છે.પરંતુ આ જવાનોએ બજાવેલી ફરજનું દર માસે સમયસર માનદ્ વેતન ચૂકવવામાં આવતું નથી.અગાઉની દ્રષ્ટિએ જોઈએ તો ચારથી પાંચ માસનો સમય વીતવા છતાં આ જી.આર.ડી ના જવાનોને માનદવેતન મેળવવા રાહ જોવી પડતી હોય છે. જ્યારે હાલમાં હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે.અને ગત બે માસનું આ જવાનોને માનદવેતન ચૂકવવામાં આવ્યું નથી.ત્યારે માનદ્ વેતન ઉપર જ આધાર રાખતા કેટલાક જી.આર.ડી ના જવાનો હાલ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.અને હોળી ધુળેટીના તહેવારની ઉજવણી થી પણ આ જવાનો વંચિત રહે તેવી પરિસ્થિતિ સર્જાયેલ હોવાની ચર્ચા સાંભળવા મળે છે.ત્યારે જી.આર.ડી ના જવાનો ને મળવાપાત્ર માનદ્ વેતન તાત્કાલિક ચૂકવી આપવામાં આવે તેવી ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.