
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા માં લગ્ન કરવાના ઓરતા આધેડને ભારે પડ્યા..મોરવા હડફ તાલુકાના ચાર ઈસમોએ વિધવા મહિલા સાથે લગ્ન કરી આપવાની લાલચ આપી 42 હજારમાં નવડાવ્યો.!
વિધવા મહિલાને વિદુર સાથે આણું વળાવી છ દિવસ જતા બે મહિલાઓએ આવી વધુ રૂપિયા 30,000/- આપો નહીં તો અમો લઈ જઈએ છીએનું જણાવી કહેવાતી નવોઢાને લઈ રફુ ચક્કર થયા.
છેતરપિંડીનો શિકાર બનેલા વિધુર દ્વારા છેલ્લા છ માસથી પત્ની નહીં તો નાણા આપોની ઉઘરાણી છતાં ન્યાય નહીં મળતા આખરે મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી.
સુખસર,તા.17
ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ એક ગામના વિધુર વ્યક્તિને મોરવા હડફ તાલુકાના એક ગામડાની વિધવા મહિલા સાથે આણું કરાવી આપવાની લાલચ આપી રૂપિયા 42 હજાર લઈ આણું વળાવી આપ્યા બાદ છ દિવસ જતા યુવતીના ગામની બે મહિલાઓએ વિધુર વ્યક્તિના ઘરે મહેમાન તરીકે આવી,વધુ રૂપિયા 30,000 ની માંગણી કરતા આ નાણાં મહિલાઓને હું આપીશ નહીં આપના ગામના પુરુષ માણસો આવશે તેમને આપીશુ,તેમ જણાવતા આ આવેલી બે મહિલાઓએ નવોઢા બનીને આવેલી મહિલાને પોતાની સાથે લઈ જઈ રફુ ચક્કર થઈ જતા લગ્નના નામે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા વિધુર વ્યક્તિએ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ એક ગામના આશરે પચાસેક વર્ષના એક વ્યક્તિની પત્ની ગત ચારેક વર્ષ અગાઉ કુદરતી રીતે મરણ ગયેલ હતી.અને તેમને સંતાનો પણ હતા.ત્યારે ગત છ માસ અગાઉ તેમની પુત્રીને કોઈક બીમારીના કારણે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી તે દરમિયાન મોરવા હડફ તાલુકાના એક ગામનો વ્યક્તિ તેની પત્નીને કોઈક કારણોસર આજ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવેલ હતો.તે દરમિયાન ફતેપુરા તાલુકાના વિધુર વ્યક્તિને મોરવા હડફ તાલુકાના વ્યક્તિ સાથે પરિચય થયો હતો.અને વાતે વાતે એકબીજાના ઘરનો પરિચય મેળવ્યો હતો.ત્યારે મોરવા હડફ તાલુકાના વ્યક્તિએ ફતેપુરા તાલુકાના વિધુર વ્યક્તિને જણાવેલ કે, અમારા ગામમાં એક વિધવા મહિલા છે,અને તેના લગ્ન તમારી સાથે કરાવી આપીએ તેમ જણાવી ફતેપુરા તાલુકાના વિધુર વ્યક્તિને વિશ્વાસમાં લીધો હતો.ત્યારબાદ ફતેપુરા તાલુકાનો વિધુર તથા મોરવા હડફ તાલુકાનો વ્યક્તિ દવાખાનામાંથી રજા લઈ પોત પોતાના વતનમાં પરત ફર્યા હતા.ત્યારબાદ મોરવા હડફ તાલુકાના વ્યક્તિએ તેની આસપાસના અન્ય ત્રણ વ્યક્તિઓનો પરિચય ફતેપુરા તાલુકાના વ્યક્તિને આપી ઓળખાણ કરાવી હતી.અને વિધુર વ્યક્તિને વિધવા મહિલા સાથે પણ પરિચય કરાવ્યો હતો.ત્યારબાદ એકબીજાની સંમતિ મળતા વિધુર વ્યક્તિ સાથે વિધવા મહિલાનું આણું કરી આપવાનું નક્કી થયું હતું.બાદ આ વિધવા મહિલા ના દહેજ પેટે ₹65,000 તથા 500 ગ્રામ ચાંદીના દાગીના નક્કી કરવામાં આવ્યા હતા.જેમાંથી આણું કરતા સમયે ફતેપુરા તાલુકાના વિધુર વ્યક્તિ પાસેથી રૂપિયા 30,000 દહેજ પેટે તથા રૂપિયા 12000 ખર્ચ પેટે તેમજ 500 ગ્રામ ચાંદી મોરવા હડફ તાલુકાના ચાર વ્યક્તિઓએ લીધા હતા.અને વિધવા મહિલાનું આણું કરી આપ્યું હતું.
આણું કરી આપ્યાના છ દિવસ જતા મોરવા હડફ થી નવોઢા બનીને આવેલી મહિલાની પરિચિત એવી અન્ય બે મહિલાઓ નવોઢાના ઘરે મહેમાન બનીને આવી હતી.અને આ બે મહિલાઓએ બની ચૂકેલા વરરાજાને જણાવેલ કે,આપણે કુલ રૂપિયા 65000 માં સોદો થયેલો છે.જેમાંથી રૂપિયા 35,000 આપની પાસે અમારે લેવાના નીકળે છે.તે નાણા આપો તેમ જણાવતા આણું કરી લાવેલ પુરુષે જણાવેલ કે,અમારે પુરુષો વચ્ચે આ સોદો થયેલો છે.અને તમારે ત્યાંથી પુરુષ લોકો આવશે એટલે જે બાકી નાણા છે તે હું આપી દઈશ.તેમ જણાવતા આ બે મહિલાઓએ જણાવેલ કે,તમો નાણા નહીં આપો તો આમો અમારું માણસ પરત લઈ જઈએ છીએ તેમ જણાવી આણું કરી આવેલ મહિલાને આ બે મહિલાઓ તેમની સાથે લઈ ગયેલ.
ત્યારબાદ ફતેપુરા તાલુકાનો વ્યક્તિ મોરવા હડફ તાલુકાના કહેવાતા ચાર આગેવાનોને અનેક વાર મળવા તથા મોબાઇલ થી વાતચીત કરવા છતાં ત્યાંથી કોઈ સીધો જવાબ આપવામાં નહીં આવતા તેમજ આણું કરીને આવેલી યુવતી પણ રફુ ચક્કર થઈ ગઈ હોય આખરે છેતરપિંડીનો શિકાર બનેલા વિધુર વ્યક્તિએ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં તમામ હકીકત જણાવી લેખિતમાં ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.