બાબુ સોલંકી, સુખસર
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સહી પોષણ, દેશ રોશનના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી પોષણ સુધા યોજના
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પોષણ સુધા યોજના અંતર્ગત ૪૬ હજારથી વધુ સગર્ભા – ધાત્રી માતાઓની જઠરાગ્નિ ઠારવાનું પુનિત કાર્ય
સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપતી પોષણ સુધા યોજના
સગર્ભા-ધાત્રી માતાઓને પોષણના તમામ તત્વો મળી રહે એ માટે દરરોજ અલગ અલગ મેનુ પ્રમાણે ભોજન અપાઇ છે
પોષણ સુધા યોજનાનો લાભ મેળવી રહેલા શ્રીમતી નિકિતાબેન જણાવે છે કે સગર્ભાવસ્થા દરમિયાન તેમનો ૧૦ કિલો જેટલો વજન વધ્યો છે.
સુખસર,તા.20
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પોષણ સુધા યોજના ૪૬ હજારથી વધુ સગર્ભા – ધાત્રી માતાઓની જઠરાગ્નિ ઠારવાનું પુનિત કાર્ય કરી રહી છે. અહીંની આંગણવાડી ખાતે નોંધાયેલી સગર્ભા ધાત્રી માતાઓને દરરોજ બપોરે સ્વાદિષ્ટ, પોષણયુક્ત ગરમ ભોજન અપાઇ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત જુન મહિનામાં આદિજાતિ જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રારંભ કરેલી આ યોજના થકી ‘‘સહી પોષણ, દેશ રોશન’’ નું સૂત્ર ખરા અર્થમાં ચરિત્રાર્થ થઇ રહ્યું છે.
દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓની ૩૦૫૬ આંગણવાડીઓ ખાતે ૪૬૪૦૩ થી વધુ નોંધાયેલી સગર્ભા અને ધાત્રી માતાઓને દરરોજનું ગરમ ભોજન પીરસાઇ રહ્યું છે. પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડીયાના છ દિવસ સગર્ભા ધાત્રી મહિલાઓને ભોજન અપાઇ છે. સગર્ભા ધાત્રી માતાઓનું પોષણના તમામ તત્વો મળી રહે એ માટે દરરોજ અલગ અલગ મેનુ પ્રમાણે ભોજન અપાઇ છે.
જેમાં સોમવારે થેપલા, દાળભાત શાક, મંગળવારે પરાઠા, શાક, દાળભાત, બુધવારે લાપસી-શીરો, દાળભાત, ગુરુવારે રોટલી શાક, ખીચડી, શુક્રવારે પરાઠા, ચણા, દાળ, વઘારેલ ભાત, શનિવારે શીરો-લાપસી, શાક, દાળભાત બપોરના ભોજનમાં સગર્ભા ધાત્રી માતાઓને ગરમાગરમ અહીં આંગણવાડી ખાતે જ બનાવીને પીરસવામાં આવે છે.
આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. આ ભોજન ફક્ત રૂ. ૨૭ ના નજીવા દરે સગર્ભા ધાત્રી માતાઓને અપાઇ રહ્યું છે.
દાહોદની હજારીયા આંગણવાડીના સીડીપીઓ સુશ્રી ફાલ્ગુનીબેન પંડયા જણાવે છે કે, અહીં સગર્ભા અને ધાત્રી માતાઓની નોંધણી કરવામાં આવે છે. અને તેમને નિયમિત બપોરે પોષણયુક્ત ભોજન અપાઇ છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ યુક્ત આહાર મળવાથી તેમને ઘણો સ્વાસ્થ્ય લાભ થયો છે.
હજારીયા આંગણવાડી ખાતે પોષણ સુધા યોજનાનો લાભ મેળવી રહેલા શ્રીમતી નિકિતાબેન ધર્મેશકુમાર જણાવે છે કે, અહીં છેલ્લા બે મહિનાથી પોષણ સુધા યોજના શરૂ અંતર્ગત દરરોજ અલગ અલગ મેનું પ્રમાણે પોષ્ટિક આહાર અપાઇ છે. વાર પ્રમાણે દાળ ભાત શાક રોટલી લાપસી સહિતની વાનગીઓ અમને અહીં પીરસવામાં આવે છે. સર્ગભાવસ્થા દરમિયાન મારૂ વજન ઓછું હતું. પરંતુ નિયમિત જમવા સહિતની આરોગ્ય સુવિધાઓથી મારૂ વજન ૧૦ કિલો જેટલું વધ્યું છે. જે અગાઉ ૫૪ કિલો હતું.
અહીંની આંગણવાડી ખાતે પોષણ સુધા યોજનાનો લાભ લેતા શ્રીમતી નિકિતા ડામોર જણાવે છે કે, હું હજારીયા ફળીયા ખાતે રહું છું. આ આંગણવાડીમાં મારી નોંધણી કરવામાં આવી છે. મારૂં છ મહિનાનું બાળક છે. પોષણ સુધા યોજના અંતર્ગત અમને પોષ્ટિક ભોજન દરરોજ અપાઇ છે. આયર્નની ગોળી તેમજ અન્ય આરોગ્ય સુવિધાઓ અપાઇ છે. એ માટે સરકારને ધન્યવાદ પાઠવીએ છીએ તેમ શ્રીમતી ડામોરે ઉમેર્યું હતું.
સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે. માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે ‘પોષણ સુધા યોજના’ ગુજરાતના આદિજાતિ વિસ્તારના દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા મળી કુલ પાંચ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં અમલી બનાવાઈ હતી. જેમાં દાહોદનાં ગરબાડા અને ધાનપુર તાલુકામાં આ યોજના વર્ષ ૨૦૧૭ થી અમલી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં મહિલાઓ સુપોષિત થાય એ માટે આ યોજનાનું વિસ્તરણ કરીને રાજ્યના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓના કુલ ૧૦૬ તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવી છે. ત્યારે દાહોદનાં પણ તમામ ૯ તાલુકાઓમાં આ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ અપાઇ રહ્યો છે.
દાહોદના આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી રમીલાબેન ચૌધરી જણાવે છે કે, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શનમાં જિલ્લાના તમામ તાલુકાઓની ૩૦૫૬ આંગણવાડીઓ ખાતે ૪૬૪૦૩ થી વધુ નોંધાયેલી સગર્ભા અને ધાત્રી માતાઓને દરરોજનું ગરમ ભોજન પીરસાઇ રહ્યું છે. સગર્ભા અને ધાત્રી માતાઓને આ સમય દરમિયાન તમામ પોષક તત્વો મળી રહે એ માટે ખાસ કાળજી રાખીને એ પ્રમાણે મેનું તૈયાર કરાયું છે અને એ પ્રમાણે ગરમાગરમ ભોજન તેમને પીરસવામાં આવે છે.