દેવગઢ બારીયાથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–2026નો પ્રારંભ: પ્રથમ જ દિવસે આશરે 35 હજાર બાળકોને રસીકરણ
0 થી 5 વર્ષના 41,165 બાળકોને પોલિયોની રસી આપવાનો લક્ષ્યાંક; 29 અને 30 જૂને ઘરે-ઘરે જઈ વંચિત બાળકોને અપાશે બે ટીપાં
ઈરફાન મકરાણી: દેવગઢ બારીયા
દેવગઢ બારીયા તા.30
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન–2026નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે નાનાં બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનને પ્રારંભ કરાવ્યો હતો.

આ વર્ષે દેવગઢ બારીયા તાલુકામાં 0 થી 5 વર્ષના કુલ 41,165 બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તાલુકાભરમાં 177 પોલિયો બુથ તેમજ 10 ટ્રાન્ઝિટ પોલિયો બુથ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી દરેક બાળક સુધી રસીકરણની સેવા પહોંચી શકે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અભિયાનના પ્રથમ જ દિવસે અંદાજે 35 હજાર જેટલા બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં સફળતા મળી હતી. અભિયાન દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગીરવર બારીયાએ વિવિધ પોલિયો બુથોની મુલાકાત લઈ કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ વિશેષ પોલિયો બુથની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મુસાફરી દરમિયાન કોઈ બાળક રસીકરણથી વંચિત ન રહે.
અભિયાનના આગામી તબક્કામાં 29 અને 30 જૂનના રોજ આરોગ્ય કર્મચારીઓ તથા આશા કાર્યકરો ઘરે-ઘરે જઈ એવા બાળકોને પોલિયોની રસી પીવડાવશે, જેઓ પ્રથમ દિવસે કોઈ કારણસર રસીકરણથી વંચિત રહ્યા હશે.
આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના “બે ટીપાં જિંદગીના” અવશ્ય પીવડાવી પોલિયોમુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં સહભાગી બને.
