ગરબાડા તાલુકામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ભવ્ય પ્રારંભ: ૧ થી ૭ જુલાઈ દરમિયાન આરોગ્ય સંસ્થાઓમાં યોજાશે મહાઅભિયાન

Editor Dahod Live
2 Min Read

ગરબાડા તાલુકામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ભવ્ય પ્રારંભ: ૧ થી ૭ જુલાઈ દરમિયાન આરોગ્ય સંસ્થાઓમાં યોજાશે મહાઅભિયાન 

રિપોર્ટર:રાહુલ ગારી,ગરબાડા 

ગરબાડા તા.01

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પણ ‘નમો સ્વચ્છતા અભિયાન’નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ ખાતેથી આ રાજ્યસ્તરીય અભિયાનની શરૂઆત કરાઈ હતી, જેનું ગરબાડા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રસિંહ આર. ભાભોર ખાસ દાહોદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન શૈલેષભાઈ દેવધા ગરબાડા ગ્રામ પંચાયત સરપંચ ઉર્વીશાબેન ઉપસ્થિત રહ્યા હતા.

તા. ૧ જુલાઈથી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન ચાલનારા આ વિશેષ સ્વચ્છતા મહાઅભિયાન અંતર્ગત ગરબાડા તાલુકાની તમામ આરોગ્ય સંસ્થાઓને આવરી લેવામાં આવશે. સાત દિવસ દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), પેટા આરોગ્ય કેન્દ્રો (Sub-Centers) તેમજ અન્ય સરકારી તબીબી સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આરોગ્ય કેન્દ્રોના ઇન્ડોર-આઉટડોર વિભાગો અને આસપાસના પરિસરને સંપૂર્ણ સ્વચ્છ બનાવવામાં આવશે.

મેડિકલ અને જનરલ વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલ પર વિશેષ ભાર અપાશે temj ચેપજન્ય રોગો અટકાવવામાં સ્વચ્છતાનું મહત્વ સમજાવતા વિવિધ પ્રચાર-પ્રસારના કાર્યક્રમો યોજાશે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ “સ્વચ્છતાથી સ્વસ્થ જીવનની શરૂઆત” ના સૂત્રને સાર્થક કરવા અપીલ કરી હતી. તમામ આરોગ્ય સંસ્થાઓને દર્દી-મૈત્રીપૂર્ણ (Patient-friendly) બનાવવા અને સ્વચ્છતાના આગ્રહી બનવા સૌને સહભાગી થવા જણાવાયું હતું. 

આ લોકઅભિયાનના પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, તબીબો, આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ પોતાના વિસ્તાર અને આરોગ્ય કેન્દ્રોમાં નિયમિત સ્વચ્છતા જાળવવા માટેના દ્રઢ સંકલ્પ સાથે શપથ ગ્રહણ કર્યા હતા.

Share This Article