ઇલ્યાસ શેખ, સંતરામપુર
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે કાચુ મકાન ધરાશાયી: દાદી અને પૌત્રીનું ઘટનાસ્થળે મોત: એકનો બચાવ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં મકાન ધરાશાયી થઈ જતા દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે દાદા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
દાદાને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી, તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ(ઉ.02) ઘરમાં ઊંઘતા હતા. ભાર વરસાદના કારણે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેમનું કાચુ મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું હતું. જેમાં ઊંઘી રહેલા દાદી અને પૌત્રીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ચીસાચીસ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દાદા કેદારભાઈને કાટમાળી બહાર કાઢીને સંતરામપુરની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
દાદી-પૌત્રીનું મોત થતાં પરિવારે આક્રંદ કર્યું
કાચા મકાનનો બધો કાટમાળ સામાન પરિવાર પર પડ્યો હતો. જેથી દાદી અને પૌત્રીને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. બંનેને બચાવવા માટેનો ઘણો પ્રયાસ કરવા છતાં આખરે બંનેને જીવ ગુમાવવો પડ્યો હતો. દાદી-પૌત્રીનું મોત થતાં પરિવારે આક્રંદ કર્યું હતું. જેને પગલે ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સંતરામપુર મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
મૃતકોના નામ
સવિતાબેન કોદરભાઈ પારગી (ઉ.56)
સૃષ્ટિ મિથુનભાઈ પારગી (ઉ.02)
ઇજાગ્રસ્તનું નામ
કોદરભાઈ પારગી (ઉ.57)