
ઝાલોદમાં SOG પોલીસે દરોડા પાડી નશાનું વાવેતર કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા:એક ફરાર
પોલીસે દરોડા દરમિયાન 2,92 000 નો મુદ્દામાલ કબ્જે કરી NDPS અંતર્ગત ગુનો નોંધ્યો..
ઝાલોદ તા.13
ઝાલોદ તાલુકાના વરોડ ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે દાહોદ SOG પોલીસે દરોડો પાડી 92,600 ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા છે. જયારે ગાંજાના વાવેતરમાં સંડોવાયેલ એક ઈસમ પોલીસની પકડથી દૂર જતો રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા તેમજ રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની સરહદે આવેલા દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વો વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોનું ગુજરાતના યુવાધનને નશાની ગર્તામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આવા અસામાજીક તત્વોને કડક રીતે ડામી દેવા માટે દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બની છે ત્યારે ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુરપાળી ફળિયાના (1) સુરેશભાઈ વાળા ભાઈ નીનામા, (2) અરવિંદભાઈ કાળુ મગન મકવાણા તેમજ મગનભાઈ વીરાભાઈ ડામોર ગાંજાની ખેતી કરતા હોવાની બાતમી દાહોદ SOG પોલીસના પીઆઇ એચ. પી. કરેણ ને થતા SOG ના પીઆઇએ બાતમીના આધારે વરોડ ગામે દરોડો પાડતા ગાંજાનું વાવેતર કરેલું ખેતર મળી આવતા પોલીસ ચોકી હતી. ત્યારબાદ SOG પોલીસે ગાંજાના ખેતરમાંથી 173 જેટલાં 26 કિલો 860 ગ્રામના 2,68,000 તેમજ 2 કિલો 400 ગ્રામ સૂકો ગાંજો જેની કિંમત 24,000 મળી SOG પોલીસે કુલ 2,92,600 ના મુદ્દામાલ સાથે સુરેશભાઈ વાળા ભાઈ નીનામા, તેમજ અરવિંદ કાળુ મગન મકવાણાને ઝડપી પાડ્યા હતા. જયારે ગાંજાની ખેતીમાં સામેલ મગનભાઈ વીરાભાઇ ડામોર હાજર ન મળતા પોલીસે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ NDPS નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.