Thursday, 30/11/2023
Dark Mode

ગરબાડા તાલુકાના આગાવાડામાં પ્રેમી વેવાઈએ વેવાણને ઘરે બોલાવી ગળે ટૂંપો દઈ નિર્મમ હત્યાં કરી..

April 16, 2022
        886
ગરબાડા તાલુકાના આગાવાડામાં પ્રેમી વેવાઈએ વેવાણને ઘરે બોલાવી ગળે ટૂંપો દઈ નિર્મમ હત્યાં કરી..

રાહુલ ગારી ગરબાડા

 

પ્રેમ સંબંધમાં વેવાણને મળ્યું મોત..

ગરબાડા તાલુકાના આગાવાડામાં પ્રેમી વેવાઈએ વેવાણને ઘરે બોલાવી ગળે ટૂંપો દઈ નિર્મમ હત્યાં કરી..

 

ગરબાડા તા.16

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે થોડાક દિવસ પૂર્વે ડુંગર વિસ્તારમાંથી એક મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી .આ મામલે પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો . જેમાં મહિલાને તેના વેવાઈ સાથે પ્રેમ સંબંધ હોઈ અને મહિલાને તેના વેવાઈ પ્રેમી દ્વારા ઘરે બોલાવી મહિલાને માર મારી ગળાના ભાગે કપડાથી ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો . આ મામલે પોલીસે પ્રેમી વેવાઈની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે . તારીખ 4 એપ્રિલના રોજ દાહોદ તાલુકાના આગાવાડા ગામે કાળીયાકુવા ફળિયામાં રહેતાં લીલાબેન ગોરચંદભાઈ માલીવાડની કોહવાઈ ગયેલી લાશ બોરીયાળા ગામ નજીકના ડુંગર વિસ્તારમાંથી મળી આવી હતી . આ મામલે પ્રથમ તબક્કે પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો . ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં સઘળી હકીકત બહાર આવતાં સૌ પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી . જેમાં આગાવાડા ગામે મોટા ફળિયામાં રહેતાં હિમ્મતભાઈ મેરાભાઈ કટારાને તેમની વેવાણ લીલાબેન ગોરચંદભાઈ માલીવાડ સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો . લીલાના પતિ આ પહેલા કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા હતા . તેથી વેવાઈ તેમની વેવાણને આર્થિક તેમજ ખેતીવાડીમાં પણ મદદ કરતો હતો .

તેવામાં ગત તા . 4 એપ્રિલના રોજ હિમ્મતભાઈએ ઘરે બોલાવતાં લીલાબેને તેમના ઘરે જઈને પરિવારજનોને જણાવ્યું હતું કે મને હિમ્મતે બોલાવી છે અને તેની સાથે મારે ઘર કરવાનું છે . જેથી આમ ન કરવા પરિવારજનોએ તેમને સમજાવ્યા છતા ન માનતા લીલાબેનના પુત્રોને પણ જાણ કરવામાં આવી હતી . ત્યારબાદ એકાએક જ લીલાબેનનો મોબાઇલ બંધ થઈ ગયો હતો . જેથી તપાસ કરવા છતાં તેમની ભાળ મળી ન હતી . ત્યારબાદ આ લાશ મળતાં તે લીલાબેનની હોવાનું પુરવાર થયું હતું . જેનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી જતાં લીલાબેનની કમરના ભાગે ગડદાપાટુનો માર માર મારી ગળાના ભાગે કપડાથી ટુંપો દઈ તેમને મોતને ઘાટ ઉતારી દીધાં હોવાનો પર્દાફાશ થયો છે . સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાતાં પરિવાજનોમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી . આ સંબંધે આગાવાડા ગામે કાળીયાકુવા ફળિયામાં રહેતાં જોગડાભાઈ રૂમાલભાઈ માલીવાડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી . જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!