ગરબાડાના જાંબુઆ ગામે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ:૦ થી ૫ વર્ષના બાળકોને સુરક્ષા કવચ અપાયું.!
રિપોર્ટર રાહુલ ગારી,ગરબાડા
ગરબાડા તા.28
દેશભરમાં બાળકોને પોલિયો મુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે ‘રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ ૨૦૨૬’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત ગરબાડા તાલુકાના જાંબુઆ ગામ ખાતે પોલિયો રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા.

જાંબુઆ ગામે યોજાયેલા આ રસીકરણ કેમ્પનો વિધિવત શુભારંભ દાહોદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે ગામના ભૂલકાઓને પોલિયોના બે ટીપાં પીવડાવીને આ મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમણે ગ્રામજનોને પોતાના બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અને કોઈ પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે અપીલ કરી હતી.
આ રસીકરણ ઝુંબેશ હેઠળ જાંબુઆ ગામ અને આસપાસના વિસ્તારના ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. પોલિયો જેવી ગંભીર બીમારી સામે કાયમી રક્ષણ મેળવવા માટે દરેક બાળકને આ પોલિયો વિરોધી રસી આપવી અનિવાર્ય હોવાથી, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ સઘન કામગીરી કરવામાં આવી હતી.
“બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમને પોલિયો મુક્ત રાખવા એ આપણી સામૂહિક જવાબદારી છે. જાંબુઆ ગામના દરેક વાલીએ જાગૃતતા દાખવી પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવા જોઈએ.” વિજયભાઈ અમલીયાર (ઉપપ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત)
આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, આરોગ્ય કાર્યકરો, આશા વર્કરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને માતાઓ પોતાના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
