ગરબાડાના ગુલબાર ગામેથી ૨૧૯ કિલો અફીણના પોષ ડોડા ઝડપાયા.!

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી:ગરબાડા

ગરબાડાના ગુલબાર ગામેથી ૨૧૯ કિલો અફીણના પોષ ડોડા ઝડપાયા.!

રૂ. ૩૭.૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસને જોઈ વાહનચાલક ગાડી મૂકી મકાઈના ખેતરનો લાભ લઈ ફરાર

દાહોદ તા.14

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પોલીસે માદક પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતાં ગુલબાર ગામ નજીકથી ૨૧૯ કિલો અફીણના પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહી દરમિયાન ફોરવ્હીલરનો ચાલક ગાડી મૂકીને નજીકના લીલા મકાઈના પાકનો લાભ લઈ ફરાર થઈ જતાં પોલીસ દ્વારા તેની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે ગુલબાર ગામ નજીક મધ્યપ્રદેશના ભાડાખેડા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ફોરવ્હીલર ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસને જોઈને વાહનચાલક ગાડી મૂકીને નજીકના લીલા મકાઈના ખેતર તરફ ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ હાથ ધરતાં તેમાંથી ૨૧૯ કિલો અફીણના પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે જપ્ત કરેલા અફીણના પોષ ડોડાની અંદાજિત કિંમત રૂ. ૩૨,૯૯,૫૫૦ અને ફોરવ્હીલર ગાડીની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૭,૯૯,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ગાડીના નંબર GJ20AH0493ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મધ્યપ્રદેશથી દાહોદના માર્ગે માદક પદાર્થોની હેરાફેરીની આશંકા

તહેવારોની સિઝન દરમિયાન માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્ત્વો સામે પોલીસ સતર્ક બની છે. આ કાર્યવાહી બાદ મધ્યપ્રદેશ તરફથી ગુજરાતના દાહોદ માર્ગે માદક પદાર્થોના પરિવહનની શક્યતાને લઈને પણ તપાસના અનેક પાસાં સામે આવ્યા છે. જોકે, આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ફરાર ચાલકની શોધખોળ, નેટવર્ક અંગે તપાસ પર નજર

દાહોદ પાસિંગની ગાડીમાંથી આટલો મોટો જથ્થો મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. ગાડીનો ચાલક કોણ છે, જથ્થો કોના માટે લઈ જવામાં આવતો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ, તે દિશામાં પોલીસ તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. હવે ફરાર ચાલકની ઓળખ અને માદક પદાર્થોની હેરાફેરીના સમગ્ર નેટવર્ક અંગે તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.

Share This Article