
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વના ગામે બે માસ પૂર્વે ટ્રાન્સફોર્મર બળ્યો: ગામના 45 મકાનો છેલ્લા બે માસથી વીજળીથી વંચિત..
વીજળી મુદ્દે એમજીવીસીએલ સ્થાનિક વહીવટી તંત્ર પાંગળું પુરવાર થયો…
અંધારપટની પરિસ્થિતિમાં બાળકો કોમ્પ્યુટરના શિક્ષણથી વંચિત: મહિલાઓ પાણી ભરવા માટે રઝળપાટ કરવા મજબૂર.
દાહોદ તા.28
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામે બે માસ અગાઉ મધ્ય ગુજરાત વીજ કંપનીનો ટ્રાન્સફોર્મર બળી જતા છેલ્લા બે માસથી અત્રેના ગ્રામજનો અંધારપટ ભોગવવા મજબૂર બન્યા છે. વીજળી ડુલ થયાની મધ્ય ગુજરાત વીજ કંપની તેમજ ગામના સરપંચ તાલુકા સભ્ય, સહિત સંબંધીતોને અવારનવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યો છે. અંધારપટની વચ્ચે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો વીજળીના અભાવે કોમ્પ્યુટરનો ભણતર ગુમાવી બેઠા છે,તો ગામની મહિલાઓ પાણીના વગર વલખા મારતા જોવા મળી રહી છે.અંધારપટની વચ્ચે પાષાણયુગમાં લોકો જીવન વ્યથિત કરવા મજબુર બન્યા છે.
ફતેપુરા તાલુકાના ખેડા ફળિયા તેમજ સિપાટીયા ફળિયામાં એમજીવીસીએલ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ઉપરોક્ત બંને ફળિયામાં બે માસ અગાઉ એમજીવીસીએલ નો ટ્રાન્સફોર્મર બળી જતા છેલ્લા બે માસથી બંને ફળિયાના રહેવાસીઓ અંધારપટમાં જીવન વ્યતિત કરવા માટે મજબૂર બન્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીમાં વારંવાર ફરિયાદ નોંધાવ્યા બાદ પણ સમસ્યાનો નિરાકરણ ન આવતા આ મામલે સરપંચ તાલુકા સભ્યોને પણ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ વીજળી મુદ્દે કોઈ નિકાલ ન આવતા ઉપરોક્ત બંને ફળિયાના ગ્રામ વાસીઓ પાષાણ યુગમાં જીવન વ્યતીત કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે ઉપરોક્ત બંને ફળિયામાં 45 ઘરો આવેલા છે. જે ગામમાં લાગેલા ડીપી પર આધારિત છે. બે માસ પૂર્વે આ ડીપી મળી જતા બંને ફળિયાના 45 ઘરોમાં અંધારપટને પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ ધોરણ 10 માં 12 માં બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. જેના પગલે બાળકોને અભ્યાસ કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વીજળીના અભાવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો કોમ્પ્યુટર વિષયમાં અભ્યાસથી પાછળ રહી ગયા છે. સાથે સાથે ગામની મહિલાઓ પણ વીજળીના અભાવે દૂર દૂર સુધી પાણી ભરવા માટે રઝલપાટ કરવા માટે મજબૂર બની છે. તો ઉપરોક્ત વિસ્તારમાં વીજળી દૂર થવાનો મામલો આજકાલનો નહીં પરંતુ અવારનવાર આ વિસ્તારમાં વીજળી ડુંલ થવાની સમસ્યાઓ બનતી રહે છે. પરંતુ આજ દિન સુધી વીજળી મુદ્દે મધ્ય ગુજરાત કંપની તેમજ સ્થાનિક વહીવટી તંત્ર કાયમી ઉકેલ આવી શક્યું નથી જેના પગલે ગ્રામજનો અંધારપટમાં જીવન વ્યતીત કરવા માટે મજબૂર બન્યા છે.