રિપોર્ટર :- બાબુ સોલંકી, શબ્બીર સુનેલવાલ
ફતેપુરા પોલીસ દ્વારા ખાનગી લક્ઝરી બસના છાપરા ઉપર મુસાફરોને બેસાડી વહન કરતા ચાલક સામે ગુન્હો દાખલ કરાયો.
રાજસ્થાનથી અનેક ખાનગી લક્ઝરી બસોના ચાલકો પોતાના કબજાની ગાડીઓને નિયમિત રાજસ્થાનથી અમદાવાદ તરફ મુસાફરોને વહન કરી રહ્યા છે.
ફતેપુરા તાલુકાના ફતેપુરા તથા સુખસર થી ગ્રામ્ય વિસ્તારોમાં કેપેસિટી થી વધુ મુસાફરો ભરીવહન કરતા કસૂરવાર થ્રી-ફોર વ્હીલર લોડીંગ વાહન ચાલકો સામે તપાસ જરૂરી.
સુખસર,તા.6
ફતેપુરા તાલુકામાં ખાનગી વાહન ચાલકો પોલીસ તથા આર.ટી.ઓ થી નિડર બની અને વાહન ચાલકો માટે બનાવવામાં આવેલ કાયદાકીય જોગવાઈઓને બાજુ ઉપર રાખી પોતાના વાહનોમાં ઘેટાં-બકરાઓની જેમ મુસાફરોને ભરી વહન કરતા જોવા મળે છે.અને તેવા વાહન ચાલકો સામે પોલીસ કે આર.ટી.ઓ દ્વારા વર્ષમાં ક્યારેક દેખાવ પુરતી તપાસ કરવામાં આવે છે.પરંતુ તેનાથી વાહન ચાલકોમાં કોઈ સુધાર આવતો હોય તેમ જણાતું નથી.જેના લીધે તાલુકામાં અકસ્માત મોતના બનાવો પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે.તેમ છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોય તેમ જણાય છે.તેમજ ગત સમયની દ્રષ્ટિએ જોતા છીંડે નીકળ્યો તે ચોર ની નીતિ અપનાવી ક્યારેક કોઈ એકાદ વાહન સામે ગુનો દાખલ કરી સંતોષ માની લેવામાં આવે છે.તેવી જ રીતે આજરોજ રાજસ્થાન તરફથી ફતેપુરા થઈ અમદાવાદ બાજુ જતી અને છાપરા ઉપર મુસાફરોને વહન કરી પસાર થઈ રહેલ એક લક્ઝરી બસના ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ફતેપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજસ્થાન પાસે એક લક્ઝરી બસ નો ચાલક મુસાફરોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે પોતાના કબજાની લક્ઝરી નંબર- આર.જે-03.પીએ-7338 લક્ઝરી બસના છાપરા ઉપર મુસાફરોને ભરી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ફતેપુરા બસ સ્ટેશન તરફ આવતા આ ખાનગી લક્ઝરી બસને ફતેપુરા પોલીસે ઉભી રાખી ચાલકની પૂછપરછ કરતા ચાલ કે તેનું નામ શાંતિલાલ સુકલાલ ગરાસીયા રહે. ખોડાલીમ,તા. ગાંગડતલાઇ,જી.બાસવાડાનો હોવાનું જણાવેલ.જેણે પોતાના કબજાની લક્ઝરી બસમાં મુસાફરોના જીવ જોખમમાં મુકાય તે રીતે મુસાફરોને લક્ઝરીના છાપરા ઉપર બેસાડી વહન કરતાં ચાલકની વિરુદ્ધમાં આઇપીસી કલમ 279 તથા મોટર વ્હીકલ એક્ટ 66(1)192(એ) 177 મુજબ ગુનો દાખલ કરી ફતેપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફતેપુરા તાલુકામાં ફતેપુરા સહિત સુખસર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસોના અભાવે સેકડો લોડીંગ ખાનગી વાહનો દ્વારા ગેરકાયદેસર મુસાફરોને વહન કરવામાં આવી રહ્યા છે.અને આ વાહનચાલકો બસ સ્ટેશનની આસપાસ અડીંગો જમાવી ઉભા થઈ જાય છે. અને તેવા વાહનચાલકો સામે બીઆરટી કે પોલીસ દ્વારા કોઈ રોકટોક કરવામાં આવતી નથી.જ્યારે કેટલાક ખાસ કરીને ટુ-વ્હીલર વાહન ચાલકોને પકડી કોર્ટ કે આર.ટી.ઓનો મેમો આપવામાં આવે છે.અથવા તો કોઈક રીતે છોડી મૂકવામાં આવતા હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે ગરજાઉ,મજબૂર મુસાફર જનતાનો ખાનગી વાહન ચાલકો ગેરલાભ ઉઠાવે નહીં તે જોવાની પણ પોલીસ તથા આર.ટી.ઓ ની સંપૂર્ણ જવાબદારી છે.