
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકમાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગ.
ત્રણ દિવસથી કનેકટીવીટી ખોરવાતા ગ્રાહકોને પડતા ધરમધક્કા.
બલૈયા ખાતે આવેલ બરોડા- ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર દ્વારા ગ્રાહકોને થાય ત્યાં રજૂઆત કરી લો ના ઉદ્ધતાઈ ભર્યા જવાબો અપાતા હોવાના ગ્રાહકોના ગ્રાહકો દ્વારા આક્ષેપ.
હિન્દી ભાષી બેંક કર્મચારીઓની ભાષા ગ્રામીણ લોકો નહીં સમજી શકતા દિવસો સુધી ધક્કા ખાવા છતાં કામો નહીં થતા હોવાની ચર્ચા.
સુખસર,તા.22
ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મા અનેક ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.અને તેમાં ખેડૂતો,શ્રમિકો,નોકરિયાતો તથા વેપારીઓ જેવા હજારો બેંક ગ્રાહકો લેવડ-દેવડ કરતા આવેલ છે.તેમાં અવાર-નવાર બેંક ગ્રાહકોની ફરિયાદો ઉઠવા પામે છે.અને તેની રજૂઆતો પણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવે છે. પરંતુ તે પ્રત્યે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્યાન નહીં અપાતા નાછૂટકે બેંકના જવાબદારોના મનસ્વી વહીવટને બેંક ગ્રાહકો સહન કરતા આવેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકમાં હજારો ખાતાધારકો જેમાં ખેડૂતો,શ્રમિકો,નોકરિયાતો તથા વેપારી વર્ગના લોકો લેવડ-દેવડનો વહીવટ કરતા આવેલ છે.જેમાં ખાસ કરીને ખેડૂતો તથા શ્રમિક લોકોને બેંક કર્મચારીઓની બેપરવાઈથી લેવડ-દેવડમાં મુશ્કેલીઓ ઉભી કરવામાં આવતી હોવાનું અને તેઓને દિવસો સુધી ધરમ ધકકા ખવડાવવામાં આવતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.જ્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અભણ ખેડૂતો અને શ્રમિક લોકો હિન્દી ભાષી બેંક કર્મચારીઓની ભાષા સમજી શકતા નથી.જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોની ભાષા બેંકના કર્મચારીઓ સમજી શકતા નથી ત્યારે બેંકના ગ્રાહકો દિવસો સુધી બેંકના ધરમધક્કા ખાવા છતાં કામો નહીં થતા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. જ્યારે કોઈક જાગૃત વ્યક્તિ બેંકના ગ્રાહકોને પડતી મુશ્કેલી બાબતે બેંક મેનેજરને રજૂઆત કરવા જાય છે ત્યારે બેંક મેનેજર દ્વારા”તમારે થાય ત્યાં રજૂઆત કરો”ના જવાબો આપી ઉદ્ધવતાઇ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું બેંક ગ્રાહકો દ્વારા જાણવા મળે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શ્રમિક અને અભણ ખેડૂતો સામે બેંક કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપવામાં આવે છે તેમાં આ બેંક કર્મચારીઓને મનસ્વી વહીવટ ચલાવવા તેમના ઉચ્ચ અધિકારીઓનુ પીઠબળ છે કે તેમને પોતાની ફરજનું ભાન નથી?તે એક સવાલ છે.તેમજ હાલ છેલ્લા ત્રણેક દિવસથી કનેકટીવીટી ખોરવાતા સેંકડો બેંક ગ્રાહકો બેંકના ધરમધક્કા ખાઇ રહ્યા હોવા છતાં તેમાં કોઇ સુધારો થતો નહીં હોવાનું જાણવા મળે છે.સાથે સાથે આ બેંક દ્વારા છેલ્લા એક વર્ષમાં ખેત ધિરાણ તથા લોન વિગેરેના લાભાર્થીઓની તપાસ કરવામાં આવે તેવી પણ બેંક ગ્રાહકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.