Thursday, 11/08/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં સર્જાતી પાણીની વિકટ સમસ્યા માટે વૃક્ષોનું આડેધડ નિકંદન જવાબદાર:આદિવાસી વિસ્તારોમાં જંગલો નામશેષની દિશામાં છતાં જંગલખાતું ઘોર નિંદ્રામાં.?

June 18, 2022
        395
દાહોદ જિલ્લામાં સર્જાતી પાણીની વિકટ સમસ્યા માટે વૃક્ષોનું આડેધડ નિકંદન જવાબદાર:આદિવાસી વિસ્તારોમાં જંગલો નામશેષની દિશામાં છતાં જંગલખાતું ઘોર નિંદ્રામાં.?

 બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લામાં સર્જાતી પાણીની વિકટ સમસ્યા માટે વૃક્ષોનું આડેધડ નિકંદન જવાબદાર.

આદિવાસી વિસ્તારોમાં જંગલો નામશેષની દિશામાં છતાં જંગલખાતું ઘોર નિંદ્રામાં.?

 સરકાર દ્વારા જંગલખાતાના માધ્યમથી લાખોના ખર્ચે વૃક્ષોનું વાવેતર પણ માવજતનો સદંતર અભાવ.!

જંગલખાતાના જવાબદારો સજાગ બને,નહીં તો આવનાર વર્ષોમાં જંગલ ખાતાનું વિસર્જન કરવાનો સમય આવશે.

સુખસર,તા.18

પૃથ્વીના ફેફસાં ગણાતા વૃક્ષ સંપદાનો વિનાશ થવાના કારણે વાતાવરણમાં ફેલાતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે વાતાવરણ માટે ખતરારૂપ બનતો જાય છે.વૃક્ષોના નિકંદનના કારણે તેમજ માનવ સર્જિત ઉદ્યોગોથી અંગાર વાયુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જંગલોની જાળવણી માટે સરકાર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.તેમ છતાં જંગલો દિન-પ્રતિદિન નામશેષ થઇ રહ્યા છે.જંગલોમાંથી લાકડું ક્યાં જાય છે તેનો આજે કોઈ પાસે હિસાબ નથી. જ્યારે વનખાતાના રખેવાળો ઊંઘતા હોય તેવું જણાય છે.વનખાતું પહેલાથી સજાગ રહ્યું હોત તો આજે “વૃક્ષો વાવો,વરસાદ લાવો,પર્યાવરણ બચાવો”ના સુત્રો પાછળ કરવામાં આવતો ખર્ચ બચાવી શકાયો હોત. પરંતુ વનખાતાના રખેવાળો દ્વારા વનવિસ્તારના નામે ખર્ચ કરવામાં આવે છે.પરંતુ થતા ખર્ચની સામે વનવિસ્તાર માં વૃક્ષો વધવાના બદલે ઘટી રહ્યા છે. અને જંગલો નામશેષની દિશા તરફ ધકેલાઈ રહ્યા છે.
દાહોદ જિલ્લામાં ફતેપુરા,દેવગઢ બારીયા,દાહોદ,લીમખેડા,ધાનપુર ઝાલોદ વિસ્તાર મોટાભાગે ડુંગરાળ છે. અને તેમાં જંગલ ખાતાની જમીનમાં સારા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી શકાય તેમ છે.પરંતુ જંગલ વિસ્તારમાં જે વૃક્ષો હોય તે કાપવામાં આવી રહ્યા છે.અને તે જગ્યા ઉપર નવા ઉગતા છોડ પણ આસપાસના લોકો કાપી જઇ બળતણ તરીકે ઉપયોગ કરતા હોય તે સાથે વર્ષોવર્ષ જંગલ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન રોપાઓ રોપવાની કામગીરી કરવામાં આવે છે.પરંતુ આ વૃક્ષોના રોપા રોપ્યા બાદ તેની માવજત કરવામાં નહીં આવતા તેવાં છોડવાઓ નાશ પામે છે. જંગલો નાશ થવાના કારણે ખેતી પાકો નિષ્ફળ જઈ રહ્યા છે.અગાઉના સમયમાં સારા એવા પ્રમાણમાં જંગલ વિસ્તારમાં વૃક્ષો હતા.તેવા સમયે પાણીની સમસ્યા નહિવત્ હતી.જ્યારે જંગલો નાશ થવાના કારણે પાણી માટે લોકોને કટોકટીનો સામનો કરવો પડે છે.જો જંગલોનો નાશ થતો અટકે તેમ જ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તથા તેની માવજત કરવામાં આવે તો પાણી માટે ગંભીર અછત સર્જાય છે તે નિવારી શકાય તેમ છે.થોડા વર્ષો અગાઉ જે-તે જગ્યાએ ગાઢ જંગલો હતા ત્યાં હાલ બોડા ડુંગરો નજરે પડે છે.જંગલોનો નાશ થવાના કારણે જંગલી પશુઓ નામશેષ થઇ રહ્યા છે. દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘ,દીપડા,રિછ જેવા જંગલી પશુઓ જોવા મળતા હતા ત્યાં આજે શિયાળવાના દર્શન પણ દુર્લભ છે!
વૃક્ષોની ગેરકાયદે કાપણી થાય છે તેમાં મોટાભાગના વૃક્ષછેદનમાં જંગલખાતાના કર્મચારીઓની રહેમ નજર હેઠળ તે લાકડા સગેવગે કરવામાં આવતા હોય મોટાભાગના જંગલ ચોર પકડાઈ શકતા નથી. જેઓ પકડાય છે તેઓ કાયદાની ચુંગાલમાં માંથી દંડ ભરીને કે લાગવગશાહીથી છટકી જતા હોય છે. જેથી વૃક્ષ છેદન નિર્ભય રીતે વધી રહ્યું છે.જ્યારે કોઇ ખેડૂત પોતાની માલિકીની જમીનમાંથી એકાદ વૃક્ષ કાપે છે ત્યારે તેની સામે કાયદેસર પગલાં ભરવામાં આવે છે. જંગલખાતા દ્વારા જે ખર્ચ કરી નવા વૃક્ષોની વાવણી કરવામાં આવે છે તે વૃક્ષોની વાવણી બાદ તેની માવજત કરવામાં આવતી ન હોય આ રોપાઓ નાશ પામે છે.બીજા વર્ષે ફરીથી આજ જગ્યા ઉપર નવેસરથી ખર્ચ કરી વૃક્ષોની વાવણી કરવામાં આવે છે. આમ વારંવાર ખર્ચ કરવા છતાં વૃક્ષોની વૃદ્ધિ થઈ શકતી નથી.સરકારી ચોપડામાં જંગલખાતા માટે કરવામાં આવતા ખર્ચનું મીટર સતત ચાલુ રહે છે.આવી જ રીતે જંગલખાતું હજી થોડાં વર્ષ ઊંઘતું રહેશે તો ભવિષ્યમાં કદાચ દાહોદ જિલ્લામાંથી જંગલ ખાતાના વિભાગને વિસર્જન કરવાનો સમય આવશે તેવું અનુમાન કરવું અસ્થાને નથી.
દાહોદ જિલ્લામાં જંગલખાતા દ્વારા નવીન વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવામાં આવે,થઈ રહેલા વૃક્ષ છેદનને અટકાવવામાં આવે તેમજ લાકડાચોર લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો નામશેષ થતાં જંગલોને બચાવી દાહોદ જિલ્લા ના જંગલ ખાતામાં પણ ફરજ નિષ્ઠ કર્મચારી-અધિકારીઓ છે નો દાખલો બેસાડવા માટે હજી પણ સમય છે.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!