
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લામાં પ્રિમોન્સુન કામગીરી સુચારૂ રીતે યોગ્ય સંકલનમાં કરવા સૂચન કરતાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી
દાહોદ, તા. ૨૧ :
જિલ્લા સેવા સદન ખાતે આજે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં અધિકારીશ્રીઓને યોગ્ય સંકલનમાં રહીને સરકારની ફલેગશીપ યોજનાઓ તમામ નાગરિકો સુધી પહોંચતી કરવા તેમજ જિલ્લામાં પ્રિમોન્સુન કામગીરી સુચારૂ રીતે યોગ્ય સંકલનમાં રહી કરવા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સૂચન કર્યું હતું.
જિલ્લામાં આગામી રવિવારે યોજાનાર કોવીડ મેગા વેક્સિનેશન અભિયાનમાં વધુમાં વધુ નાગરિકો જોડાય અને પ્રથમ ડોઝ, બીજો ડોઝ કે પ્રિકોશન ડોઝ સત્વરે લઇ લે તે રીતનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. તેમજ જે સરકારી અધિકારીશ્રીઓ, કર્મચારીઓનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેઓ પણ આવતી કાલના અભિયાનનો લાભ લઇને વેક્સિનનો પ્રિકોશન લઇ સુરક્ષિત થઇ જવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સુન કામગીરી પણ જવાબદાર અધિકારીશ્રીઓ યોગ્ય સંકલનમાં રહીને કરે તે માટે તેમણે સૂચન કર્યું હતું અને ચોમાસામાં કોઇ પણ પ્રકારના આકસ્મિક સંજોગો સામે એક્શન પ્લાન સહિત તૈયાર રહેવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સી.બી. બલાત, સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.