
સુમિત વણઝારા
દાહોદમાં ગુજકેટની પરીક્ષા શાંત માહોલમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જરૂરી આદશો કર્યા
દાહોદ, તા. ૧૬ :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષા આગામી તા. ૧૮ એપ્રીલના રોજ યોજાશે. દાહોદ નગરનાં કુલ ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાશે.
ઉક્ત પરીક્ષા શાંત માહોલમાં યોજાય અને કોઇપણ પ્રકારની ગેરરીતીના થાય એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે એક જાહેરનામા દ્વારા કેટલાંક આદેશો કર્યા છે. તદ્દનુસાર, જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે અને તેના સ્થળનાં આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં, પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ અને પરીક્ષા પૂરી થયાના કલાક પછી કે સ્ટાફના રવાના થયા બાદ પરીક્ષા માટે અધિકૃત કર્મચારીઓ, અધિકારીઓ સિવાયના બિનઅધિકૃત વ્યક્તિઓએ એકત્ર થઇ શકશે નહી.
પરીક્ષા કેન્દ્રની કંમ્પાઉન્ડ વોલની બહારની જગ્યાએ વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવાસે. અહીં ઉભું રહી શકાશે નહી. જે મુજબ પરીક્ષા દિવસે સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી પ્રવેશી શકાશે નહી. જયાં કંમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રના મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહી તેમજ એકઠા થઇ શકાશે નહી. પરીક્ષાના ઉક્ત સમય દરમિયાન કોઇ પણ પ્રકારના માઇક, લાઉડ સ્પીકર, વાંજિત્ર વગાડી શકાશે નહી.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા આ પરીક્ષા સંદર્ભે અન્ય એક જાહેરનામા દ્વારા મહત્વના આદશો કરાયા છે. તદ્દનુસાર, પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં પરીક્ષા દિને સવારનાં ૯ કલાક થી સાંજના ૫ વાગ્યા સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંઘ રાખવાનો રહેશે. પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ-કોપીયર મશીનના સંચાલકોએ ઉક્ત હુકમનો અમલ કરવાનો રહેશે.
તદ્દઉપરાંત, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન, પેજર, કેલ્ક્યુલેટર, ડિજિટલ ઘડિયાળ જેવા ઈલેક્ટ્રીક સાધન લાવી શકશે નહિ. પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજયામાં ઉક્ત સમય દરમ્યાન માઇક વગાડી શકાશે નહી. આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.