સંજેલીમાં વિવિધ વિભાગોની તવાઈ:મેડિકલ બાદ ફરસાણની દુકાનો અને બાળમજૂરી મુદ્દે તપાસથી વેપારીઓમાં ફફડાટ.! ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અચાનક તપાસમાં મીઠાઈ-માવાના નમૂના લેવાયા;

Editor Dahod Live
4 Min Read

સંજેલીમાં વિવિધ વિભાગોની તવાઈ:મેડિકલ બાદ ફરસાણની દુકાનો અને બાળમજૂરી મુદ્દે તપાસથી વેપારીઓમાં ફફડાટ.!

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અચાનક તપાસમાં મીઠાઈ-માવાના નમૂના લેવાયા;

 લાઇસન્સ, સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસાઈ, લારી-ગલ્લાઓ સામે પણ તપાસની માંગ

દાહોદ તા.10

સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી દાહોદ જિલ્લા કક્ષાના વિવિધ વિભાગોની અચાનક તપાસને પગલે વેપારી આલમમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ હવે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બાળમજૂરીના મુદ્દે પણ સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સંજેલી નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જિલ્લા કક્ષાની ટીમે વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મીઠાઈ, માવો સહિતની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ નમૂનાઓની ગુણવત્તા તેમજ તેમાં ભેળસેળ છે કે કેમ તે અંગે લેબોરેટરી તપાસ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.તપાસ દરમિયાન વેપારીઓના ફૂડ લાઇસન્સ, લાઇસન્સ કયા નામે છે અને તેની મુદત સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ ખાદ્ય પદાર્થોના સંગ્રહ, સ્વચ્છતા અને સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી.જોકે સંજેલી નગરમાં ફરસાણની દુકાનો ઉપરાંત રસ્તાની લારીઓ અને ગલ્લાઓ પર પણ વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે. ખુલ્લામાં પકોડી, ચાઇનીઝ ફૂડ સહિતની વસ્તુઓનું વેચાણ કરતી લારીઓમાં સ્વચ્છતા અને ગુણવત્તાના નિયમોનું કેટલું પાલન થાય છે તે અંગે પણ સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.ખુલ્લામાં ખાદ્ય પદાર્થોના વેચાણ, ખાદ્ય તેલના ઉપયોગ, સ્વચ્છતા તથા ગુણવત્તાના ધોરણો અંગે પણ નિયમિત તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે. માત્ર લાઇસન્સ ધરાવતી દુકાનો પૂરતી મર્યાદિત ન રહી, લારી-ગલ્લા અને ખુલ્લામાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓની પણ ચકાસણી કરવામાં આવે તેવી ચર્ચા છે.

સંજેલીમાં બે દિવસ અગાઉ મેડિકલ સ્ટોરમાં પણ તપાસ:

ફરસાણ-મીઠાઈની દુકાનોમાં તપાસ અગાઉ આશરે બે દિવસ પહેલાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સંજેલી નગરની વિવિધ મેડિકલ દુકાનોમાં પણ અચાનક તપાસ હાથ ધરી હતી. દવાઓના વેચાણ, જરૂરી લાઇસન્સ તથા અન્ય નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચકાસણી કરવામાં આવી હતી.

*વહીવટી તંત્રની બાળમજૂરી મુદ્દે પણ તંત્રની નજર:*

બીજી તરફ, સંજેલી તાલુકામાં બાળમજૂરીના મુદ્દે પણ સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. કેટલીક દુકાનોમાં બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. જો તપાસ દરમિયાન કાયદાનો ભંગ થતો હોવાનું બહાર આવે તો સંબંધિત કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

એક બાદ એક વિભાગોની તપાસથી ચર્ચા:

સંજેલી તાલુકામાં ટૂંકા સમયગાળામાં મેડિકલ સ્ટોર, ફરસાણ-મીઠાઈની દુકાનો અને બાળમજૂરી જેવા મુદ્દાઓને લઈને વિવિધ વિભાગોની કાર્યવાહી શરૂ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. આગામી દિવસોમાં હોટલ-રેસ્ટોરન્ટ તેમજ અન્ય લારી-ગલ્લાઓમાં પણ તપાસ હાથ ધરાય છે કે કેમ તેના પર હવે સૌની નજર છે.હાલની તપાસમાં કયા વેપારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે અને લેવામાં આવેલા ખાદ્ય નમૂનાઓના પરિણામો શું આવે છે, તે અંગે સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

Share This Article