દાહોદમાં ધોળાદિવસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે કરોડોની સનસનાટીભરી લૂંટ APMC માર્કેટ નજીક વેરહાઉસ પાસે ઘટના,CCTVમાં કેદ થયા લૂંટારૂઓ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દાહોદમાં ધોળાદિવસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે કરોડોની સનસનાટીભરી લૂંટ

APMC માર્કેટ નજીક વેરહાઉસ પાસે ઘટના,CCTVમાં કેદ થયા લૂંટારૂઓ

દાહોદ તા.26

દાહોદ શહેરમાં ધોળાદિવસે બનેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથેની સનસનાટીભરી લૂંટની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી છે. દાહોદ APMC માર્કેટ વિસ્તારમાં આવેલા વેરહાઉસ નજીક અજાણ્યા લૂંટારૂઓએ હુમલો કરી રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

પ્રાથમિક માહિતી મુજબ, દાહોદના ગૌશાળા પડાવ ચોકી સ્થિત પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ ભરેલો થેલો છીનવી લેવામાં આવ્યો હતો. જેમાં નંબર પ્લેટ વગરની બે પલ્સર મોટરસાયકલ પર આવેલા આશરે ૬ શખ્સોએ અગાઉથી ઘાત લગાવી ઘટના અંજામ આપ્યાનું સામે આવ્યું છે. લૂંટ બાદ તમામ આરોપીઓ પળવારમાં ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત DYSP, LCB અને SOGની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.મહત્વની બાબત એ છે કે લૂંટ કરીને ફરાર થતા શખ્સોની હરકતો નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને શોધખોળની કાર્યવાહી તેજ કરી છે.

જોકે, લૂંટારૂઓ કેટલા રૂપિયાની રકમ લઈ ફરાર થયા તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી, જેના કારણે ઘટનાને લઈને અનેક અટકળો ચાલી રહી છે.

ધોળાદિવસે શહેરના વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ વેપારીઓ અને સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમોને કામે લગાડી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article