રાજેશ વસાવે :- દાહોદ
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ
શહેરા તાલુકામાં શાંતિપૂર્ણ જનજાગૃતિ રેલી અને જાહેર સભાના આયોજન અંગે બેઠક યોજાઈ
દાહોદ તા. 2
શહેરા તાલુકામાં આદિવાસી સમાજના હિત, અધિકારો અને સામાજિક જાગૃતિના વિવિધ મુદ્દાઓને લઈ શાંતિપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા અંગે આજે એક મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ હતી.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે આગામી કાર્યક્રમ અંતર્ગત શહેરા તાલુકાના વિવિધ આદિવાસી ગામોમાં તેમજ શહેરાના મુખ્ય વિસ્તારો અને માર્ગો પર શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલીનો હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો, બંધારણીય અધિકારો અંગે માહિતી પહોંચાડવાનો તથા સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપવાનો રહેશે.
રેલી પૂર્ણ થયા બાદ શહેરા તાલુકા મુખ્ય મથકે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના વિચારો વ્યક્ત કરશે તેમજ સમાજહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે.
આયોજન સમિતિએ તમામ કાર્યકરો અને સમાજજનોને અપીલ કરી છે કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સંપૂર્ણ શાંતિ, અનુશાસન અને બંધારણીય મૂલ્યોનું પાલન કરે તથા પ્રશાસન સાથે સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવે.
આ બેઠકમાં કાર્યક્રમના રૂટ, સમય, જવાબદારીઓ, સ્વયંસેવકોની નિમણૂક, જાહેર સભાની વ્યવસ્થા તથા જરૂરી વહીવટી પરવાનગીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આયોજક: શહેરા તાલુકા આદિવાસી સમાજ
