સુખસરમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સહિત બે યુવાનોને ગંભીર ઇજા* *સંતરામપુર થી સુખસર આવતી તુફાન જીપની પાછળ આવતા મોટરસાયકલ ચાલકે બેદરકારીથી વાહન ચલાવી જીપની પાછળ ટક્કર મારી હતી*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસરમાં તુફાન જીપ- મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં મોટરસાયકલ ચાલક સહિત બે યુવાનોને ગંભીર ઇજા*

*સંતરામપુર થી સુખસર આવતી તુફાન જીપની પાછળ આવતા મોટરસાયકલ ચાલકે બેદરકારીથી વાહન ચલાવી જીપની પાછળ ટક્કર મારી હતી*

*મોટરસાયકલ સવાર બે ઇજાગ્રસ્ત યુવાનોની સુખસર દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા*

સુખસર,તા.23

 સુખસર પંથકમાં કેટલાક વાહન ચાલકો બેદરકારીથી વાહન હંકારતા અકસ્માત બનાવો બને છે.તેવીજ રીતે આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં સંતરામપુર તરફથી સુખસર આવી રહેલ તુફાન જીતની પાછળ આવતા મોટરસાયકલ ચાલકે તુફાન જીપની પાછળ પોતાના કબજાની મોટરસાયકલને અથડાવતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાયકલ ચાલક સહિત મોટરસાયકલ ઉપર સવાર એક યુવાનને માથામાં તથા હાથે,પગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

        જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના મુખ્ય મથક સુખસર ખાતે આજરોજ સવારના દસેક વાગ્યાના અરસામાં તુફાન જીપ મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.તેમાં તુફાન જીપ નંબર જીજે-18.બીકે-4174 સંતરામપુર થી સુખસર તરફ આવી રહી હતી. અને સુખસરમાં એચપી પેટ્રોલ પંપની સામેથી પસાર થતા સમયે પાછળથી આવતી સ્પેલેન્ડર મોટરસાયકલ નંબર જીજે-20.બીએલ.2393 ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી તુફાન જીપની પાછળ ટક્કર મારી હતી.જેથી મોટરસાયકલ ચાલક સહિત તેની પાછળ સવાર એક યુવાન જોશભેર તુફાન જીપ સાથે ટકરાઈ રોડ ઉપર પડ્યા હતા.જેમાં આ મોટરસાયકલ સવાર બંને યુવાનોને માથામાં શરીરે તથા હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. 

       મોટરસાયકલ સવાર બે યુવાનો ફતેપુરા બાજુથી સુખસર તરફ આવી રહ્યા હતા.અને તેવા સમયે આ અકસ્માત સર્જાયો હતો.જેમાં મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્તોમાં રાકેશભાઈ લવજીભાઈ ગરવાળ (ઉંમર વર્ષ 30)ને માથામાં તથા પગે જ્યારે પંકજભાઈ નારસિંગભાઈ પારગી(ઉંમર વર્ષ 28)ને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.આ બંને ઈજાગ્રસ્તો ફતેપુરા તાલુકાના વડવાસ ગામના નિશાળ ફળિયાના વતની હોવાનું જાણવા મળે છે.આ અકસ્માત સર્જાતા તાત્કાલિક 112 પીસીઆર વાનને કોલ મળતા કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા.અને 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા એમ્બ્યુલન્સ વાન આવી પહોંચી હતી.અને આ બંને ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

     આ અકસ્માત સર્જાતા 112 જનરક્ષક ટીમના પાયલોટ ઉપેન્દ્રસિંહ દશરથસિંહ,પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ,હોમગાર્ડ રણજીતભાઈ જ્યારે સુખસર 108 ના કર્મચારીઓમાં પાયલોટ માનવેન્દ્રસિંહ,ઇએમટી લીલાબેન, જ્યારે બલૈયા ક્રોસિંગ 108 ના કર્મચારીઓમાં પાયલોટ દિલીપસિંહ, તથા ઇએમટી પિનલબેન નાઓ એ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Share This Article