રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના નવાગામમાં કાચુ મકાન ધરાશાઈ: ત્રણ પશુઓના મોત બાદ મકાન માલિકનું હાર્ટ એટેકથી અવસાન..
રેલ્વેના નિવૃત કર્મચારી ચુનીલાલ હિંહોરનું મકાન ધરાશાઈ થવાની દુર્ઘટનામાં અંદાજે ₹6 લાખનું નુકસાન,
ગામમાં શોક અને સ્તબ્ધતા વ્યાપી.
દાહોદ તા.૦૩

દાહોદ તાલુકાના નવાગામ ખાતે એક કાચુ મકાન ધરાશાઈ થઈ જતાં ત્રણ મુંગા પશુઓ દબાઈ દવાથી મોતને ભેટ્યા છે તો બીજી તરફ આ આઘાત સહન ન કરી શકતા મકાન માલિકનું હાર્ટ એટેકથી મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીનીની સાથે સાથે ગ્રામજનોમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.
દાહોદના નવાગામ ખાતે રહેતાં રેલ્વેના નિવૃત કર્મચારી ચુનીલાલ વિરસિંહ હિંહોરનું કાચુ મકાન ગતરોજ એકાએક ધરાશાઈ થઈ જતાં કાચા મકાનમાં બાંધી રાખેલ ત્રણ ભેંસોના દબાઈ જતાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં અંદાજે ૬ લાખ રૂપીયાનું નુકસાન થયું છે તો બીજી તરફ આ આઘાતમાં ચુનીલાલ હિંહોરની એકાએક તબીયત લથડતા અને તેઓને આ આઘાતમાં હાર્ટ એટેક આવતાં તેમને પરિવારજનો દ્વારા તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં હોસ્પિટલના તબીબે તેઓને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. સમગ્ર મામલે સ્થાનીક વહીવટી તંત્રનો કાફલો સ્થળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી છે.