નકલી પત્રકારોએ રોફ જમાવતા FIR: લીમખેડા પોલીસે કરી તપાસ શરૂ.
લીમખેડાના પ્રતાપપુરાની આશ્રમશાળામાં ઘૂસી ગાળાગાળી કરી, વીડિયો વાયરલ કરવાની આપી ધમકી.!
દાહોદ તા.25

લીમખેડા તાલુકાની પ્રતાપપુરા આશ્રમશાળામાં ત્રણ વ્યક્તિઓએ પોતાને પત્રકાર તરીકે ઓળખાવી શાળામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. તેમણે બાળકો અને શિક્ષકોને ધમકીઓ આપી, ગાળાગાળી કરી અને શાળાના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે શાળાના આચાર્ય કૈલાશબેન સાબતસિંહ બારિયાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં 10 ઓક્ટોબર 2025ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે, જ્યારે બાળકો પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે બે વ્યક્તિઓએ શાળામાં અનધિકૃત રીતે પ્રવેશ કરીને બાળકોના વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. આચાર્ય કૈલાશબેન ત્યાં પહોંચતા આરોપીઓએ પોતાને પત્રકાર તરીકે ઓળખાવ્યા અને ઉચ્ચ અવાજે ગાળાગાળી કરી.

તેમણે ધમકી આપી કે, “અમને કોઈ રોકી શકશે નહીં, અમે ખોટા વીડિયો બનાવીને શાળાને બદનામ કરી દઈશું.આ ઘટનાના બીજા જ દિવસે, એટલે કે 11 ઓક્ટોબર 2025ના રોજ, આરોપીઓમાંથી એક બળવંત વાદી અને અન્ય વ્યક્તિ જશુ ગણાવા નામના વ્યક્તિ સાથે ફરીથી શાળામાં ઘૂસ્યા હતા.અને તેઓએ પરીક્ષા દરમિયાન બાળકોના વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને બાળકો તથા શિક્ષકોને અયોગ્ય સવાલો પૂછીને ધમકાવ્યા હતા.જેના લીધે બાળકોમાં ડર ફેલાયો હતો.તો કેટલાક બાળકો રડવા લાગ્યા અને ચારેક વિદ્યાર્થીઓએ પોતાનું પેપર અધૂરું છોડીને બહાર નીકળી ગયા હતા. આ ઘટના દરમિયાન આચાર્ય અને સ્ટાફે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ ફરીથી ગાળાગાળી કરી અને ધમકી આપી કે, “અમે પત્રકાર છીએ, તમને જોઈ લઈશું અને શાળાને બદનામ કરી દઈશું.”ફરિયાદમાં જણાવાયું છે કે, પ્રતાપપુરા ગામના અભેસીંગ રાવલે આ ઘટનાના વીડિયોના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા.આ સમાચારો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા, જેના વીડિયો અને સીડીઓ પુરાવા તરીકે આચાર્યએ પોલીસને સોંપ્યા છે. પોલીસે ફરિયાદના આધારે ત્રણ આરોપીઓ વિપુલ ગુલાબ બારિયા (રહે. પંચેલા, તા. દેવગઢબારિયા), બળવંત ગલીયા વાદી (રહે. મોટાહાથીધરા, તા. લીમખેડા), અને જશુ ભાવસિંહ ગણાવા (રહે. મોટીવાવ, તા. લીમખેડા) વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.આ ઘટનાએ શાળાના બાળકો અને શૈક્ષણિક સ્ટાફમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. લીમખેડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે, જેના પરિણામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.