
ઇલયાસ શેખ :- સંતરામપુર.
રંગો થી બીજમંત્ર, યંત્ર અને ચિત્ર થી માતાજી ની આરાધના કરતા ચિત્રકાર
સંતરામપુર તા. ૨૯
નવરાત્રી માં શક્તિ ની આરાધના માં ભક્તો મંત્ર ના જપ અને ઉપવાસ રાખી ગરબા રમી માતાજી ની ભક્તિ કરતા હોય છે.પરંતુ મહીસાગર જિલ્લાના સંતરામપુર માં રહેતા ચિત્રકાર અજયસિંહ સોલંકી (સ્વામી) એ માતાજી ના બીજ મંત્ર,યંત્ર અને ચિત્ર નો સમન્વય કરી તંત્ર આધારિત ચિત્રો બનાવ્યા છે. અગાઉ તેમના બુદ્ધિઝમ ના સૂત્રો આધારિત ચિત્રો નું દેશ અને વિદેશ ની નામાંકિત આર્ટ ગેલેરી માં પ્રદર્શન યોજાઇ ચૂક્યું છે. એમને જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિ માં કોઈપણ દેવી કે દેવતા ના ચિત્રો ને તેમના બીજ મંત્ર સાથે ચિત્રિત કરવામાં આવે તો તેની અસરકારકતા અનેક ગણી વધી જાય છે.આ જ પદ્ધતિ થી તિબ્બત માં રહેતા અનેક બૌદ્ધ સાધુઓ ચિત્ર સર્જન કરતા હોય છે જેનો ઉપયોગ ધ્યાન અને પૂજા માટે કરવામાં આવે છે.અજયસિંહ દ્વારા બનાવાયેલા આ ચિત્રો એક્રિલિક રંગો થી કેનવાસ પર બનાવવામાં આવ્યા છે જેમાં અસુરો નો સંહાર કરવા માટે માતાજી ની ઉત્પતિ શિવજી માં થી થઈ “શિવશક્તિ “ના રૂપમાં દર્શાવી વિવિધ શસ્ત્રો સાથે બીજ મંત્ર પણ લખવામાં આવેલ છે.ચિત્ર ની પૃષ્ઠભૂમિ દેવી ના કાર્ય અને વિશેષતા દર્શાવવા સુસંગત રંગો નો ઉપયોગ કરવા માં આવ્યો છે જેથી કોઈપણ સાધક ને ધ્યાન કે એકાગ્રતા ની સાધના કરવા માટે આ ચિત્રો અત્યંત ઉપયોગી નીવડે તેમ છે.માં શિવશક્તિ ના નિર્વાણ બીજમંત્ર તથા વેદ માતા ગાયત્રી ના મંત્ર અને યંત્ર દ્વારા સર્જન કરવામાં આવેલ ચિત્રો માઈ ભક્તોને અભિભૂત કરે તેવા છે.અજયસિંહ સંતરામપુર માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આર્ટ ઈન્ટિગ્રેટેડ લર્નિંગ ના રાષ્ટ્રીય કક્ષાએ તજજ્ઞ તરીકે કાર્યરત છે.અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની અભિનવ સંકલ્પના “ એક ભારત શ્રેષ્ઠ ભારત “અંતર્ગત ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્ય ની કલા સામ્યતા ના પ્રચાર, પ્રસાર અને તાલીમ હેતુ અનેક ટ્રાઈબલ આર્ટ ની કાર્યશાળઓ યોજી વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.