
રાજેશ વસાવે :- દાહોદ
*દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ, પ્રકૃતિ સાથે મનુષ્યના ભવિષ્યને સુનિશ્ચિત કરીએ*
*પ્રકૃતિના મૂળભુત ૫ પંચામૃત*
*દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરાતી પ્રાકૃતિક ખેતી*
દાહોદ તા. ૨૨
*પ્રાકૃતિક ખેતી અને તેના ફાયદા*
– પાકની વૃદ્ધિ માટે જરૂરી ઇનપુટ( ખેત સામગ્રી) બહારથી ન લેતાં, પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવાની હોઈ રસાયણનો ઉપયોગ નહિવત હોય છે.
– ભૂમીની ભેજ સંગ્રહ ક્ષમતા વધે
– ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો
– માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર થી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે
– નહીવત ઉત્પાદન ખર્ચ/રસાયણમુક્ત ખેત પેદાશ/વધારે ભાવ
– પાણી અને વિજળીની બચત, મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ
– પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ, પોષણ અને સંવર્ધન
– ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ
*પ્રાકૃતિક ખેતીના પંચામૃત*
(૧) જીવામૃત
(૨) બીજામૃત
(૩) આચ્છાદન
(૪) વાફસા (ભેજ)
(૫) જૈવ વૈવિધતા (મિશ્રપાક)
ગુજરાત રાજ્યની ખેતીની જમીનોમાં ઓર્ગેનીક કાર્બન, નાઇટ્રોજન, ઝીંક, સલ્ફર, વિગેરે પોષકતત્વોની મોટી ઊણપ હોવાથી કોઇપણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ જીવામૃત / ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી સુક્ષ્મજીવો/અળસિયાની સંખ્યા જમીનમાં વધે છે, જે જીવંત કે કાષ્ટ આચ્છાદનનું વિઘટન કરી હ્યુમસનું નિર્માણની સાથે અલભ્ય પોષક તત્વોને લભ્ય રૂપમાં ફેરવી ભુમીની ઉત્પાદન ક્ષમતા -ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારે છે.
પાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડૂતોએ પોતાની ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર-ગોબરમાંથી તૈયાર કરેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી, ત્યાર બાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું અને ઉભા પાકમાં પિયતના પાણી સાથે જીવામૃત /આપવું, પાકૃતિક કૃષિના પંચામૃત મુજબ સંપુર્ણ ખેતી કરવાથી સારા પરિણામો મળે છે.
*રાસાયણિક ખાતરને બદલે જીવામૃત-ઘન જીવામૃતનો ઉપયોગ કરવો હિતાવહ*
*જીવામૃત તૈયાર કરવાની રીત*
– ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૧૦ કિગ્રા દેશી ગાયનું તાજુ છાણ-૧ મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/ વાડની માટી + ૧ કિગ્રા દેશી ગોળ + ૧ કિગ્રા ચણા કે કોઈપણ દાળના લોટનુ મિશ્રણ તૈયાર કરવું અને તેને ૧૮૦ લીટર પાણીના ડ્રમમાં નાખી મિક્ષ કરવું. ડ્રમને કંતાનની થેલીથી ઢાંકી છાંયડે રાખવું.
– લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૨ વખત ૫-૫ મિનિટ માટે હલાવવુ. ઉનાળામાં ૨-૩ દિવસમાં અને શિયાળામાં ૧ અઠવાડિયામાં તૈયાર થઇ જશે.
– જીવામૃત તૈયાર થયા પછી ૧૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય.
*જીવામૃત વાપરવાની રીત* : એક એકર માટે ૨૦૦ લી. જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું અને ઉભા પાક પર છંટકાવ કરવો.
*ઘન જીવામૃત બનાવવાની રીત*
– ૨૦૦ કિગ્રા સખત તાપમાં સુકવેલ અને ચાળણીથી ચાળેલ દેશી ગાયના છાણને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું.
– ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળુ સ્તર કરી સુકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું.
– સુકાય જાય ત્યારે ગાંગડાનો ભુકો કરી એક વર્ષ સુધી વાપરી શકાય.
*ઘન જીવામૃત વાપરવાની રીત*
– જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિગ્રા આપવુ.
*ફુગનાશકો વિશે જાણીએ*
*બીજામૃત*
– ૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર + ૫ કિગ્રા છાણ + ૫૦ ગ્રામ ચુનો + ૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિગ્રા બિચારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લો.
*સુન્ઠાસ્ત્ર*
– ૨૦૦ ગ્રામ સુંઠ અથવા વાવડીંગ પાઉડરને ૨ લીટર પાણીમાં એટલું ઉકાળો કે અડધો થયા બાદ ઠંડુ પાડો, બીજા વાસણમાં ૨ લીટર દૂધને ધીમા તાપે ઉકાળી મલાઇ કાઢી નાખવી.
– ૨૦૦ લીટર પાણીમાં ઉપરનો ઉકાળો અને દૂધ મીક્ષ કરી ૨ કલાક બાદ છોડ પર ઉપયોગ કરો.
૦૦૦