
રાજેશ વસાવે :- દાહોદ
કર્મચારીઓના હક્ક ઉપર CO ની પહેલી સહીથી કર્મચારીઓ ગેલમાં.!
દાહોદ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો.!!
પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓએ ચીફ ઓફિસર ને આવકાર્યા..
દાહોદ તા. 21
દાહોદ નગરપાલિકામાં આજે નવ નિયુક્ત ચીફ ઓફિસરે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.તે વેળાએ પાલિકાના તમામ કર્મચારીઓ તેમજ પાલિકા પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓએ ચીફ ઓફિસર જોડે શુભેચ્છા મુલાકાત કરી હતી. ચીફ ઓફિસરે ચાર્જ સંભાળતા ની સાથે જ પાલિકાના કર્મચારીઓના મળવા પાત્ર હક્ક સાતમા પગાર પંચના અમલવારીના સ્ટીકર પરના હુકમ ઉપર પ્રથમ સહી કરતા પાલિકાના કર્મચારીઓએ ચીફ ઓફિસરના આ કાર્યને તાળીઓથી વધાવી લીધું હતું. કર્મચારીઓમાં ખુશીની લાગણી હતી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 28 જેટલા ચીફ ઓફિસરની બદલીઓ કરી હતી.આ બદલીના દોરમાં દાહોદ અને સંતરામપુરના ચીફ ઓફિસરની અરસપરસ બદલી કરવામાં આવી હતી. દાહોદના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાને સંતરામપુરના ચીફ ઓફિસર તરીકે જ્યારે સંતરામપુરના ચીફ ઓફિસર દીપસિંગ હઠીલાને દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ આપી હતી.
જે બાદ આજે શ્રાવણવાસના સોમવારના શુભ દિવસે નવનિયુક્ત ચીફ ઓફિસર દિપસિંહ હઠીલાએ મહાદેવના દર્શન કર્યા બાદ વિધિવત રીતે ચાર્જ સંભાળવા પાલિકા પહોંચ્યા હતા. જ્યાં પહેલેથી હાજર પાલિકાના કર્મચારીઓ તેમજ પાલિકા પ્રમુખ ગોપી દેસાઈ, કારોબારી અધ્યક્ષ હિમાંશુ બબેરિયા પૂર્વ કારોબારી ચેરમેન લખન રાજગોર, વિવિધ સમિતિના ચેરમેન બીજલ ભરવાડ, જોગેશભાઈ, રાકેશ પ્રજાપતિ,નુંપેન્દ્ર દોશી, નગરપાલિકાના દંડક અહેમદ ચાંદ વિગેરેએ બુકે તેમજ મીઠાઈ ખવડાવી ચીફ ઓફિસરને શુભેચ્છા પાઠવી હતી.
ત્યારબાદ ચીફ ઓફિસર દીપસિંગ હઠીલાએ ચાર્જ લેતા જ નગરપાલિકાના કર્મચારીઓના સાતમા પગાર પંચના અમલવારી માટે સ્ટીકરના કાગળો ઉપર પ્રથમ સહી કરતા કર્મચારીઓએ તાળીઓ અને ભારત માતાના જયઘોષથી ચીફ ઓફિસર ના કાર્યને વધાવી લીધો હતો. આ અગાઉ પાલિકાના મળવા પાત્ર હક્ક સાતમા પગાર પંચના અમલવારી માટેની પ્રોસેસ અગાઉના ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.દરમિયાન તેઓની બદલી તથા તેમની જગ્યાએ આવેલા નવનિયુક્ત ચીફ ઓફિસરે કર્મચારીઓના હિતમાં કાર્યને આગળ ધપાવ્યુ છે.