
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાની એક આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવેલ આદિવાસી સંગ્રહાલય દાહોદને સમર્પિત*
*પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને આજની પેઢી સાથે જોડી રાખવા માટે સચોટ માધ્યમ બનતું આદિવાસી સંગ્રહાલય*
*આદિવાસીઓના રીત-રિવાજ, પહેરવેશ, ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ લાકડાં, માટી અને લીંપણ કરી બનાવેલ પ્રાકૃતિક ઘરની જાળવણી કરતું સંગ્રહાલય એટલે આદિવાસી સંગ્રહાલય*
દાહોદ તા. ૧૧
આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત વર્ષ ૨૦૨૨ માં ૨૧, ફેબ્રુઆરીથી કરવામાં આવી હતી, જેનું વર્ષ ૨૦૨૫ ના મેં મહિનાની ૨૬ તારીખના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંગ્રહાલય બનાવવા પાછળ ૧૬.૬૫ કરોડનો ખર્ચ થયેલ છે. આ સંગ્રહાલયમાં આદિવાસી લોક જીવનની ઝાંખી જોવા મળે તેવા ભીંત ચિત્રો પણ દીવાલો પર કંડારવામાં આવ્યા છે, જેની કારીગીરી મધ્ય પ્રદેશના રાજુ વિશ્વકર્મા નામના વ્યક્તિએ કરી છે. જે બિરદાવી શકાય એવી છે. આ સંગ્રહાલયમાં આદિવાસીઓની સાંસ્કૃતિને દર્શાવતી સામાજિક, ઐતિહાસિક અને પારંપારિક દૃષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ કે નમૂનાઓ અને દસ્તાવેજોની જાળવણી અને પ્રદર્શન માટેનો અનોખો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આદિવાસી સંગ્રહાલયની અંદર આદિવાસી લોક-જીવનને જીવંત કરતી વિવિધ પ્રકારની પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. જેમાં નળિયા અને થાપડાવાળા ઘરો, ખેતી કરતો ખેડૂત, ઘરકામ કરતી સ્ત્રીઓ, નાના બાળકોને સુવડાવવા માટેની ઝોળી, રમતા બાળકો, સામાજિક પ્રસંગો, પહેરવેશ, આદિવાસીઓના ઘરની બનાવટ, પશુપાલન માટે મરઘાં, બકરી, ભેંસ-બળદ-ગાય-વાછરડા જેવા પશુઓ અને ખેતીકામ માટે હળ જેવા સાધનો, વાંસના ટોપલા, સૂપડાં, ઘરની પાણીયારી, બળદના મોંઢે બાંધવામાં આવતું મોહરૂ, બળદગાડુ, અનાજના સંગ્રહ કરવા વપરાતું પોહરૂ, ઘરની દીવાલો અને દરવાજા પર જે-તે સમયે દોરવામાં આવતાં ચિત્રો, બળતણ માટે લાકડાં વીણવા જતી સ્ત્રીઓ જેવી અનેકવિધ બાબતો આ સંગ્રહાલયમાં વણી લેવામાં આવી છે.
પરંપરાગત આદિવાસી સંસ્કૃતિને આજની પેઢી સાથે જોડી રાખવા માટે આ સંગ્રહાલય એક સચોટ માધ્યમ બની રહેશે. આદિવાસીઓના રીત-રિવાજ, પહેરવેશ, ખાણી-પીણી, રહેણી-કરણી તેમજ લાકડાં, માટી અને લીંપણ કરી બનાવેલ પ્રાકૃતિક ઘર. કે જેનું સ્ટ્રક્ચર જ એ મુજબનું હોય છે કે, ભલે ને એ પાકું નથી પરંતુ એમાં શિયાળા સમયમાં નથી તો વધુ ઠંડી લાગતી, કે નથી તો ઉનાળામાં વધુ ગરમી અને ચોમાસાની વાત કરીએ તો લાલ માટીને ચીકણી કરીને થાપડા અને નળીયા એ રીતે બનાવેલા હોય છે કે, વરસાદનું પાણી ઘર પર પડે તો સીધું નળિયા થકી વહીને જતું રહે છે. જે ઘર બનાવવા માટેની આદિવાસીઓમાં રહેલી કાબેલિયતને સાબિત કરે છે.
ખાસ વાત તો એ કે, પ્રકૃતિને વણીને આવું સરસ મજાનું ઘર બનાવવા માટે કોઈ એન્જીનીયરની જરૂર નથી પડતી, જાત મહેનત અને એકબીજાના સંગાથથી આખું ઘર ઉભું થઇ જતું હતું. હા, આજના સમયમાં ઈંટ-સિમેન્ટ અને રેતીના મકાનો બની રહ્યા છે, જે દાહોદ જિલ્લાના થઇ રહેલા વિકાસને વાચા આપે છે, સમયના વહેણ સાથે આદિવાસીઓની સંસ્કૃતિ ધીમે-ધીમે ઝાંખી થવા માંડી છે.
નવી પેઢી હવે સમયની સાથે દાહોદ જિલ્લામાં થઇ રહેલા વિકાસને સ્વીકારી ચાલવા માંડી છે. તેમ છતાં આજે પણ આવા ઘરો દાહોદમાં ઘણી જગ્યાઓએ જોવા મળે જ છે, જેમાં આદિવાસીઓનો આત્મા આજે પણ ધબકતો જોવા મળે છે.
સાથોસાથ આ સંગ્રહાલયમાં અનેકો વિવિધ આદિવાસીઓની પ્રતિકૃતિઓ તેમની તમામ માહિતી સાથે મુકવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય આદિવાસીઓની માહિતી પણ નકશા સહિત જોવા મળે છે.
લોકનૃત્ય, વેપારધંધા, લીંપણ કળા, ભીંતચિત્રો, પોસ્ટર્સ જેવી અનેક બાબતો ધ્યાનાકર્ષક કરે તેવી છે. અહી બાળકોને રમવા માટે ગાર્ડન, સિટીઝનો માટે ચાલવા માટે પથ, કેન્ટીન, પાર્કિંગ જેવી લોક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આદિવાસી સંગ્રહાલયની અંદર પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો, અંદર પ્રવેશતાં જ આદિવાસીઓના જન-નાયક એવા શ્રી ગુરૂ ગોવિંદ મહારાજ અને બિરસા મુંડા સાથે રામ-લક્ષમ્ણ અને સીતાની વિશાળ પ્રતિકૃતિઓ ગાર્ડન, સર્વેલેન્સ સીક્યોરીટી કેમેરા સીસ્ટમ, અનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટોઇલેટ, લોકર વ્યવસ્થા, કેન્ટીન એરિયા, પીવાનું પાણી, પાથ-વે જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાની સાથે વિશેષ સુવિધાઓની વાત કરીએ તો, મ્યુઝિયમની જાણકારી તેમજ માર્ગદર્શન માટે ક્યુરેટર, જાણકારી માટે ૫ નંગ ડીજીટલ ડિસ્પ્લે, ઇનડોર અને
આઉટડોર થિયેટર ડિસ્પ્લે, આઉટડોર ડિસ્પ્લે સાથે વિશાળ બેઠક વ્યવસ્થા, કાર્યક્રમ કરવા માટે સ્ટેજ સુવિધા, એક્ઝિબિશન કમ સેલિંગ યુનિટની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંગ્રહાલય ઇન્દોર હાઈવે, પાણીની ટાંકી સામે, દાહોદ ખાતે આવેલું છે. સંગ્રહાલયને ખુલ્લું મુક્યા પછી પ્રથમ એક ૧ મહિના માટે લોકોને વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે.
આમ, દાહોદ જિલ્લામાં આદિવાસી સંગ્રહાલય એ દાહોદ જિલ્લા માટે એક અલગ ઓળખ તરીકે ઉભરી આવશે.
જેની ખાસિયત એ છે કે, અહી આદિવાસીઓના જીવનની ઝાંખીની આપણને અગાઉના સમયની કાલ્પનિક યાદ અપાવશે. ટૂંક સમયમાં આ સંગ્રહાલય જનતા માટે ખુલ્લું કરવામાં આવશે. અત્યાર સુધી લોકો માટે આકર્ષણ અને ઉત્સુકતાનો વિષય રહેલા આ સંગ્રહાલયની મુલાકાત લોકો લઇ શકશે અને આદિવાસી લોક-જીવનને સમજી શકશે અને અનુભવી શકશે.
૦૦૦