
રાજેશ વસાવે :- દાહોદ
*વર્ષ ૨૦૧૯ થી સતત અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ : ખેડૂતશ્રી ચંદ્રસિંહ ડામોર*
*પ્રાકૃતિક ખેતી થકી વાર્ષિક ૨ લાખની આવક મેળવતા ખેડૂતશ્રી ચંદ્રસિંહ ડામોર*
દાહોદ તા. ૫
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાતા ગામના રહેવાસી શ્રી ચંદ્રસિંહ ડામોર વર્ષ ૨૦૧૯ માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની માહિતી માટે દેવગઢ બારીયા તાલુકામા સાલીયા કબીર મંદિર ખાતે ૭ દિવસની શિબિરમાં તેઓએ તાલીમ લીધી હતી. ત્યારબાદ ગાંધીનગર ત્રિમંદિર ખાતે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ખેડૂત શિબિરમાં તેઓએ પ્રાકૃતિક ખેતી વિશેની પદ્ધતિસરની તાલીમ લીધા બાદ તેઓએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
ખેડૂતશ્રી ચંદ્રસિંગ ડામોર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મારા પિતા અને દાદાએ અમારા ખેતરમાં ક્યારેય પણ રાસાયણિક ખાતર ઉપયોગ કર્યો નથી. અમે વર્ષોથી છાણીયું ખાતર નાખીને જ ખેતી કરતા આવ્યા છીએ. તેમાંથી સારી એવી ઉપજ પણ થાય છે. હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો ત્યારબાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું જેના આયામો જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા, અને મિશ્ર ખેતી એમ પાંચ આયામોથી ખેતી કરું છું.
તેઓ વધુમાં જણાવે છે કે, પ્રાકૃતિક રીતે થતા પાક કે શાકભાજીમાં સ્વાદ, મીઠાશ અને ગુણકારી હોય છે. પ્રાકૃતિક રીતે કરેલા શાકભાજી અને ધાન્ય પાકોનુ અનાજ ખાવાથી આરોગ્યમાં ઘણો સુધારો આવ્યો છે અને નાના મોટા રોગોથી છુટકારો મળ્યો છે.
ખેડૂતશ્રી ચંદ્રસિંહ ડામોર ચાર સિઝન મુજબ ખેતી કરે છે. ચોમાસામાં ડાંગર, મકાઈ અને સોયાબીન, ઉનાળે બાજરી અને શાકભાજી કરે છે. જેમાં શાકભાજીમાં તેઓ ડુંગળી, લસણ, બટાકા, ભીંડા, મરચા, ચોળી, પાલક અને ટામેટા સહિતની ખેતી કરે છે. જેમાં તેઓને વાર્ષિક ૨ લાખની આવક થાય છે.
પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા ખેડૂતશ્રી ચંદ્રસિંહ ડામોરે કહ્યું કે, અમે આસપાસના વિવિધ ગામોમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપીએ છીએ. હાલ નાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પરંતુ તેઓને શરૂઆતના એક બે વર્ષમાં અનાજમાં સારો ઉતારો ના મળતા તેઓ ફરી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે.
કેટલાક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. હવેથી તેઓ પ્રાકૃતિક ખેતી જ કરે છે. દર વર્ષે દરેક ઋતુમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા નિમેલા કર્મચારીઓ દ્વારા ગામડે-ગામડે જઈને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપવામાં આવે છે. જેમાં વધુને વધુ ખેડૂતો જોડાઈ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી તેમણે વિનંતી કરી હતી.
000