
બાબુ સોલંકી:- સુખસર
*શાળામાં વિદ્યાર્થીઓને મોકલવાની જવાબદારી વાલીઓની છે: ધારાસભ્ય રમેશ કટારા*
*ફતેપુરા તાલુકાના વટલી,ઢઢેલા અને ભિચોર ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો.*
સુખસર,તા.27
ફતેપુરા તાલુકામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે વટલી,ઢઢેલા અને ભિચોર ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ એકના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કાર્યક્રમનું આયોજન બીજા દિવસે ફતેપુરા તાલુકાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ વટલી, ઢઢેલા અને ભિચોર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ આપી પ્રવેશ અપાવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે,વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેના માટે સતત પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.”બેટી બચાવો, બેટી પઢાઓ”નાં નારાને સાચાં અર્થમાં સિધ્ધ કર્યોં હોય તેમ પણ જણાઈ આવ્યું હતું.વધુમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે,શિક્ષણ થકી તમે કોઈપણ વ્યવસ્થા સાથે જોડાઈ શકો છો.પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે.જેથી વાલીઓ પણ જાગૃત થઈને વિદ્યાર્થીઓને નિયમિત શાળામાં મોકલવા જોઈએ,નિયમિત ધ્યાન રાખવું જોઈએ તે વાલીની નૈતિક જવાબદારી છે.શાળામાં વિદ્યાર્થીને યુનિફોર્મ,પુસ્તકોથી લઈને નાસ્તો જમવાનું,પૌષ્ટિક દૂધ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા દરેક શાળાઓ ઓનલાઈન થાય અને અંતરિયાળ વિસ્તારના બાળકોને આધુનિક સુખ સગવડો સાથેનુ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આ કાર્યક્રમમાં બ્લોક અધિકારી મુકેશ પટેલ,સી.આર.સી મહેશ પટેલ,પુનિત પંડ્યા સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.