
રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદના ખેડાના જંગલ વિસ્તારમાં ડ્રોન દ્વારા દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ,2 હજાર લિટર દારૂના જથ્થાનો નાશ..
કેનાલના તટ ઉપર ભઠ્ઠીઓ ધમધમી રહી હતી.
દાહોદ તા.06
દાહોદ જિલ્લાની લીમડી પોલીસે ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ દ્વારા દેશી દારૂના ગેરકાયદેસર ધંધા પર એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. ઝાલોદ તાલુકાના ખેડા ગામના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલી કેનાલના કાંઠે ધમધમતી દારૂની ભઠ્ઠીઓને પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શોધી કાઢીને તેનો સફાયો બોલાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમડી પોલીસ મથકના પીઆઇ કે.કે રાજપુતને બાતમી મળી હતી કે ખેડા ગામના જંગલ વિસ્તારમાં જ્યાં પહોંચવું મુશ્કેલ છે, ત્યાં મોટા પાયે દેશી દારૂનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે પરંપરાગત પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો. પોલીસે આ વિસ્તારમાં ડ્રોન ઉડાવીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું હવાઈ સર્વેલન્સ કર્યું. ડ્રોન દ્વારા મેળવેલા ફુટેજ અને વિડિયોના આધારે પોલીસને અંતરિયાળ વિસ્તારમાં કેનાલના તટે છુપાવેલી 10થી વધુ દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. જે જમીનની અંદર અને ઝાડીઓમાં છુપાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આ ભઠ્ઠીઓનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે 2 હજાર લિટર જેટલો ‘વોશ’ (દેશી દારૂ બનાવવા માટેનો કાચો માલ) સ્થળ પર જ નાશ કર્યો હતો.
આ વોશ મોટા પ્લાસ્ટિકના ડ્રમ અને અન્ય વાસણોમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેશી દારૂ ગાળવાના તમામ સાધનો, જેમ કે ભઠ્ઠીઓ, ગાળવા માટેના સાધનો, ઠારવાના વાસણો અને અન્ય સંબંધિત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડા સમયે દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને કોઈ વ્યક્તિ મળી આવ્યું ન હતું. જોકે લીમડી પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.