
દાહોદ ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે પર ક્રુઝર ગાડીમાંથી 2.54 લાખનો દારૂ ઝડપ્યો:ચાલક ફરાર…
દાહોદ તા. 05
દાહોદ ગ્રામ્ય પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વોચ દરમિયાન ક્રુઝર ગાડીમાંથી 2.54 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે આ બનાવમાં પોલીસને જોઈ ગાડીનો ચાલક ભાગી ગયો છે. પોલીસે તલાશી દરમિયાન વિદેશી દારૂ તેમજ ક્રુઝર ગાડી મળી કુલ 5.54 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ગાડીના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
દાહોદ નજીક કાળી તળાઈ પાસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર મધ્યપ્રદેશના રસ્તે ગોધરા તરફ વિદેશી દારૂ જતો હોવાની પોલીસને બાતમી મળી હતી.જે બાદ દાહોદ ગ્રામ્ય પોલીસે કાળી તલાઈ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં દર્શાવેલ Gj-09-BA-3064 નંબરની ક્રૂઝર આવતા પોલીસ સાબદી બની હતી. દરમિયાન ગાડીના ચાલકે પોલીસને દૂરથી જોઈ લેતા ગાડી ઊભી કરી ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો પરંતુ તે ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,54,112 રૂપિયા કિંમતની 1604 વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તેમાં ત્રણ લાખ રૂપિયાની ક્રુઝર ગાડી મળી કુલ 5.54 લાખનો જથ્થો કબજે લીધો હતો. ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કર્યો છે