
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં તસ્કરો બેફામ:સરસ્વતી પાર્ક અને ગોદી મિલપાર્ક વિસ્તારમાં બે મકાનોના તાળા તૂટ્યા..
તસ્કરો રૂપિયા 63 હજારના માલમત્તાની ચોરી કરી ફરાર
દાહોદ તા. 03
દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બે અલગ-અલગ સ્થળે ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી છે. તસ્કરોએ કુલ 63,300 રૂપિયાની મત્તા ચોરી લીધી છે.
સરસ્વતી પાર્ક સોસાયટીમાં પહેલી ઘટના 6 એપ્રિલની રાત્રે બની. લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી સંતોષકુમાર તડવીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તેમના ઘરમાંથી 25,000 રૂપિયાની રોકડ અને 17,500 રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી કુલ 42,500 રૂપિયાની મત્તા ચોરાઈ હતી.બીજી ઘટના 18થી 20 મે દરમિયાન ગોદી રોડ પર ધ્રુમિલ પાર્ક સોસાયટીમાં બની. મોબાઈલ એસેસરીઝના વેપારી તેજસ પંચોલીના ઘરમાંથી તસ્કરો 20,800 રૂપિયાની મત્તા ચોરી ગયા. આમાં 1,000 રૂપિયાની રોકડ અને 19,800 રૂપિયાની કિંમતના ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે.બંને ઘટનાઓમાં તસ્કરોએ મકાનના તાળાં તોડી પ્રવેશ કર્યો હતો. તેમણે તિજોરીઓ તોડી રોકડ અને દાગીના ચોર્યા હતા. બંને પીડિતોએ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.