
રાજેશ વસાવે :- દાહોદ
સફાઈ કર્મચારીઓ જોડે અમાનવીય વર્તન બદલ દાહોદના ડોર ટુ ડોર કલેક્શનના કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા,કલેકટરને આવેદન,
દાહોદમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ભેગું કરનાર દંપતિ ઉપર બે વ્યક્તિઓનો હુમલો:પોલિસ ફરિયાદ નોંધાઈ..
દાહોદ તા. 03
દાહોદમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કચરો ઉપાડનાર પતિ પત્નીને સામાન્ય બાબતે બે ઈસમોએ ભેગા મળી લાપટો ઝાપટો તેમજ ગડદાપાટુનો માર મારતા આ મામલે અજાણ્યા બે વ્યક્તિઓ સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે સાફ સફાઈના કામમાં જોડાયેલા કર્મીઓ સાથે મારામારીના બનાવના વિરોધમાં આજે દાહોદના તમામ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનનો કચરો ઉપાડનાર કર્મીઓ પોતાના કામથી અળગા રહ્યા હતા અને આ મામલે કલેકટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના નાની ખરજ કોતર ફળિયામાં રહેતા અને હાલ ભૂમિકા ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ઇન્ડિયા સ્માર્ટ સિટી અંતર્ગત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરીમાં કચરો ઉપાડવાનો કામ કરતા અરવિંદભાઈ કનુભાઈ માવી તેમજ તેમની પત્ની તથા તેમની સાથે અન્ય બે સફાઈ કામદારો ગઈકાલે દાહોદના ઠક્કર ફળીયા મસ્જિદ વાળી ગલીમાં કચરા કલેક્શન માટે ગાડી લઈને ગયા હતા. દરમિયાન બે અજાણ્યા શખ્સોએ નીચે પડેલો કચરો કેમ નથી ઉપાડતા તેવી સામાન્ય બાબતે ઉશકેરાઈ કચરો કલેક્શન કરવા આવેલા અરવિંદભાઈને ગડદાપાટુનો માર મારતા અરવિંદભાઈ ને છોડાવવા વચ્ચે પડેલી તેમની પત્નીને પણ ઉપરોક્ત બંને સક્સોએ લાપટોને ઝાપટો મારી અરવિંદભાઈ તેમજ તેમની પત્ની તથા અન્ય બે જણાને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી જતા રહ્યા હતા. જે બાદ આ મામલે કંપનીના સુપરવાઇઝર તેમજ સફાઈ કર્મયો સાથે આજરોજ બી ડિવિઝન પોલીસ મથકે બે શખ્સ વિરોધમાં ગુનો દાખલ કરાવ્યો હતો. તેમજ આવી ઘટનાઓના વિરોધમાં આજે દાહોદ શહેરના તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનનું કામ કરતા કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. અને આ મામલે કાર્યવાહી કરવા માટે કલેકટર ને રજૂઆત કરી હતી.